નવજીવન. અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો આવી રહ્યો છે જેના કારણે સામન્ય જનતા સીએનજી વાહનો તરફ વળી છે, પરંતુ હવે સીએનજીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે પણ સીએનજીમાં 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ સીએનજીમાં ભાવ વધારો આવતા સામન્ય જનતાને ઝાટકો લાગ્યો છે.
પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાને કારણે પરેશાન થયેલી જનતાને હવે સીએનજીનો ભાવ વધારો પણ સહન કરવો પડશે. છેલ્લા ઓગસ્ટ મહિનાથી સતત પેટ્રોલ-ડીઝલની સાથે હવે સીએનજીમાં પણ ભાવ વધી રહ્યો છે. આ ભાવ વધારો જોતા લાગી રહ્યું છે કે જાણે સરકાર ઇલેક્ટ્રિક કારને પ્રમોટ કરી રહી છે.
અગાઉ સીએનજીનો ભાવ 67.59 રૂપિયા હતો જેમાં 2.50 રૂપિયા વધારીને 70.09 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આની પહેલા પણ સીએનજીમાં ઓગસ્ટ મહિનાથી સતત ભાવ વધારો આવી રહ્યો છે. જેના કારણે સામન્ય જનતા તો હેરાન થાય જ છે પરંતુ આની સૌથી મોટી અસર રિક્ષા ચાલકો પર થશે.
અગાઉ જે સીએનજીમાં ભાવ વધારો આવ્યો તેનો અમદાવાદના રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે. જે સંદર્ભે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા વિવિધ પ્રકારના પ્રદર્શનો કરવામાં આવ્યા છે.
સીએનજી ગેસના ભાવ વધારા અંગે અમદાવાદમાં રિક્ષા યુનિયન નારાજ
અમદાવાદ રિક્ષા ચાલક એક્તા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ કહ્યું કે, આજ રોજ તા 01/01/2022 ના નવા વર્ષની શરૂઆતમાં રિક્ષાચાલકો અને જાહેર જનતા પર સીએનજીના ભાવમાં 2.50નો વધારો કરવામાં આવ્યો છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે સૌથી વધારે સીએનજી ગેસનો ભાવ 70.09 ગુજરાતમાં છે તેમજ સૌથી વધારે ટેક્ષ સીએનજી પર ગુજરાત સરકારે લઈ રહી છે. તો અમે વખતો વખત આવેદનપત્ર આપીએ છીએ તેમજ રૂબરૂ રજૂઆત કરીએ છીએ તેમજ પ્રેસ અને મીડિયાના માધ્યમથી પણ અમારી માંગણીઓ રજુ કરીએ છીએ તેમ છતાં સરકાર તરફથી કોઇ નિકાલ આવતો નથી. જેથી આવનારા સમયની અંદર માત્ર રિક્ષાચાલકો જ નહીં પરંતુ સીએનજી વપરાશ કરનાર તમામ જાહેર જનતા આ સીએનજીના વિરોધમાં પૂરતો સાથ અને સહકાર આપે તેવી વિનંતી કરીએ છીએ અને સમર્થન આપે એટલું જ નહીં પરંતુ આંદોલનમાં પણ જોડાય તેવું આયોજન કરવામાં આવશે.
CNG વાહન ચાલકોને મળી 'નવા વર્ષની ભેટ', 2.50 રૂપિયાનો વધારો આવ્યો, અમદાવાદ રિક્ષા યુનિયન લાલઘૂમ, જુઓ Video #CNG #Gujarat #Ahmedabad pic.twitter.com/ynrXZhjjDz
— Navajivan (@Navajivan1) January 1, 2022








