Sunday, May 31, 2026
HomeGujaratસમાજની કુપ્રથાઓ ક્યારે બંધ થશે? દહેજ ન આપી શકતા સાસરિયાઓએ કરી પુત્રવધૂની...

સમાજની કુપ્રથાઓ ક્યારે બંધ થશે? દહેજ ન આપી શકતા સાસરિયાઓએ કરી પુત્રવધૂની હત્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: આપણો દેશ આઝાદ થયો આધુનિક વિચારધારા તરફ આગળ વધ્યો એને ઘણા વર્ષો વીતી ગયા, તેમ છતાં કેટલાક લોકો હજુ પણ જૂના કુરિવાજોના ગુલામ જ છે. વર્ષોથી દહેજ પ્રથાના નામે યુવતીઓને ભોગ બનાવવામાં આવતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક દહેજના કારણે યુવતીની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. લાલચુ પતિ અને સાસરી પક્ષ દ્વારા યુવતી દહેજ ન આપી શકતા તેની હત્યા કરીને મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનના સંચોર ખાતે રહેતી યુવતીના લગ્ન સાટા પદ્ધતિ દ્વારા થરાદના હરજી સાથે કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ જ પતિ અને સાસરી પક્ષ દ્વારા યુવતી પાસે અવાર-નવાર દહેજની માગણી કરવામાં આવતી હતી, જે યુવતી આપી ન શકતા તેના પતિ અને સાસુ-સસરા દ્વારા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ વાત જ્યારે યુવતીએ તેના પિતાને કરી ત્યારે પિતાએ જમાઈને બોલાવીને સમજાવ્યા હતા અને 40 હજાર રૂપિયા પણ આપ્યા હતા, ત્યાર બાદ આ યુવતી અને તેનો પતિ ફરીથી થરાદ આવી ગયા હતા.

- Advertisement -

થરાદ આવ્યા બાદ યુવતીનો પતિ તેની પાસે સોના-ચાંદીના દાગીનાની માગણી કરી હતી. જો દાગીના નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. એક દિવસ પતિ અને સાસરી પક્ષની દહેજની ભૂખ એટલી હદે વધી ગઈ કે તેમણે યુવતીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી અને ત્યાર બાદ મૃતદેહને ગામના તળાવમાં ફેંકી દીધો હતો.

પહેલા તો સાસરી પક્ષ દ્વારા યુવતીના મૃત્યુને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ બાદ સામે આવતું હતું કે, યુવતીએ આત્મહત્યા નથી કરી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર બાદ યુવતીના પિતાએ યુવતીના પતિ, સાસુ, સસરા સહિત 6 લોકો સામે પુત્રીની હત્યા કરવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular