નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમાં કોઈ આર્થિક સંકળામણથી કંટાળી, તો કોઈ બીમારીથી, કોઈ માનસિક તણાવથી કંટાળી જિંદગીથી નાસીપાસ થઈ મોતને વહાલું કરી રહ્યા છે. ત્યારે વધુ એક યુવાને ફલેટના ધાબા પરથી ઝંપાલાવી જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થીના આપઘાતથી સ્થાનિકોમાં દોડધામ મચી હતી. સમ્રગ ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં રહેતા માતા-પિતાને જુવાનજોધ દિકરાના મૃત્યુના સમાચાર મળતા આઘાતમાં સરી પડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વડોદરાનો અને અમદાવાદમાં અભ્યાસ કરતો 22 વર્ષીય શિવ મિસ્ત્રી નામનો વિદ્યાર્થી આર્કિટેક ફેકલ્ટીના છેલ્લા સેમિસ્ટરમાં શહેરની પંચવટી ખાતે આવેલી CEPT યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તેણે ગતરોજ પોતાના ફલેટના છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટાળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જ્યાં આપઘાત અંગેની જાણ સ્થાનિકો દ્વારા યુનિવર્સિટી પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને ધ્રુવીન એપાર્ટમેન્ટના નં 12 શિવ મિસ્ત્રીના રૂમમાં તપાસ હાથ ધરતા એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં ભણતરના ભારથી યુવાને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે સુસાઈડ નોટ કબ્જે કરી એફ.એસ.એલ.માં મોકલવામાં આવી છે.
તેમજ સમ્રગ ઘટનાને અંગે પોલીસે CEPT યુનિવર્સિટીનાે પ્રશાસન જાણ કરી હતી. તેમજ યુવાન સાથે યુનિવર્સિટી ભણતા વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી છે. જેમાં ખરેખર વિદ્યાર્થીએ ભણતરના ભારના કારણે આપઘાત કર્યું છે કે પછી કોઈ બીજા કોઈ કારણે આ પગલુભર્યું છે. હાલ પોલીસે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








