નવજીવન ન્યૂઝ. તાલાલા: નદીઓમાં ઠાલવાતા ગંદા પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બનતી જાય છે. સાબરમતી નદી (Sabarmati River) માં ઠાલવાતા કેમિકલ યુક્ત પાણીનો મુદ્દો પણ હાઈકોર્ટ (High Court of Gujarat) માં ચાલી રહ્યો છે ત્યારે હવે ગીર સોમનાથના તાલાલાની હિરણ નદી (Hiran River) નો મામલો પણ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
ગીર સોમનાથના તાલાલા વિસ્તારમાં મહદઅંશે બચી ગયેલા જળ અને જંગલ પણ હવે પ્રદુષિત થવા લાગ્યા છે. છતાં પણ જાણે તંત્રને કોઈ દરકાર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાલાલા તાલુકાના મોટા વિસ્તારને આવરી લેતી અને જંગલમાંથી પણ પસાર થતી હિરણ નદીમાં નગરપાલિકા દ્વારા જ પ્રદુષિત પાણી ઠાલવવાનો પ્રશ્ન હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
મળતી વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાંથી પસાર થતી સ્વચ્છ હિરણ નદીમાં તાલાલા નગરપાલિકા જ કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠાલવતી હોવાનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. પર્યાવરણ બચાવો સુરક્ષા સમિતિના તાલુકા પ્રમુખ અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ ઈરફાન ભંગાણી લાંબા સમયથી રજૂઆતો કરતા રહ્યા છે. ત્યારે તેમણે ગુજરાત પ્રદુષણ બોર્ડને પણ રજૂઆત કરતા GPCBના અધિકારીઓએ હિરણ નદીની સ્થળ તપાસ કરી હતી. બાદમાં GPCB દ્વારા તાલાલા નગરપાલિકાને નોટિસ આપી હતી. પરંતુ આજદિન સુધી GPCB દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એવામાં સતત હિરણ નદી પ્રદુષિત થતી અટકાવવા માટે સામાજિક કાર્યકરો તેમજ પ્રકૃતિ પ્રેમીઓમાં ઉગ્ર લાગણી ઉઠવા પામી હતી.
તાલાલાની હિરણ નદીને પ્રદુષણથી બચાવવા સરકાર કે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવતા આખરે પ્રકૃતિ પ્રેમીઓએ મામલાને હાઈકોર્ટ સુધી લઈ ગયા છે. આ મામલે ઈરફાન જશુભાઈ ભંગાણી દ્વારા ગુજરાત હાઈકોર્ટના વકીલ પ્રશાંત ચાવડા મારફતે જાહેર હિતની અરજી કરવામાં આવતા હાઈકોર્ટ આગામી સમયમાં સુનવણી હાથ પર ધરશે. જાહેરહિતની અરજીમાં અરજદારે જણાવ્યું છે કે આ નદીમાં નગરપાલિકા ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડી દેતી હોય માનવજીવન સહિત પ્રકૃતિ અને પશુ-પ્રાણીઓ પર પણ વિપરીત અસર થઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








