નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગર જિલ્લાના ગારીયાધારની મામલતદાર કચેરીમાં પાર્ટીના દૃષ્યો સામે આવતા ઘટના ટૉક ઑફ ધ ટાઉન બની છે. જેમાં કલેકટર ડી. કે. પારેખના Collector D.K. Parekh Birthday જન્મદિવસની ઉજવણી મામલતદારની (Bhavnagar Collector) સરકારી કચેરીમાં કરવામાં આવી હતી. આટલું જ નહીં આ તકે જાણે રાષ્ટ્રીય કાર્યક્રમ હોય તેમ વિધવા સહાય યોજનાના સર્ટિફિકેટ બાંટવાનો કાર્યક્રમ પણ થયો હતો, અને તેમાં આમ આદમીના(AAP Gujarat)ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ખાસ હાજર રહ્યા હતા. સરકારી કચેરીમાં આ તાયફા પાછળ મામલતદાર આર.એસ. લાવડીયાનો કલેકટર પ્રત્યેનો અનન્ય પ્રેમ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
મામલતદારે વરસાવ્યો પ્રેમ ?
ઘટનાની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લા કલેકટર ડી. કે. પારેખનો ગત 13 જાન્યુઆરીના રોજ જન્મદિવસ હતો. ત્યારે કલેકટર પારેખ ગારીયાધાર ખાતે પહોંચ્યા હતા જ્યાં મામલતદાર આર.એસ. લાવડીયાએ પ્રેમ વરસાવી સરકારી કચેરી જાણે પોતાની જાગીર હોય તેમ પાર્ટીનું આયોજન કર્યું હતું. મામલતદાર કચેરીમાં કેક અને ફૂગ્ગા સહિતના ડેકોરેશન સાથે કલેકટર પારેખનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ખાસ પાર્ટીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ પણ હોંશે હોંશે હાજરી આપી ફોટો ખેંચાવ્યા હતા.

આમ આદમીના ધારાસભ્યની ખાસ હાજરી
સરકારી કચેરીમાં પાર્ટી કરી નહીં ધરાયેલા સરકારી બાબુઓ અને ધારાસભ્યએ 40-50 વિધવા બહેનોને વિધવા સહાય યોજનાના હુકમ પણ આપ્યા હતા. જાણે તેઓ વિધવા મહિલાઓ માટે ઉપકાર કરતા હોય તેમ વિધવા મહિલાઓના હક્કની સહાય માટે હુકમ કરી જિલ્લા કલેકટર, મામલતદાર અને ધારાસભ્યએ તાયફો યોજ્યો હતો. આ તકે જનતાના પ્રતિનિધી ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ખાસ આદમી બની ગયા હતા અને પાર્ટીનો વિરોધ કરવાના બદલે હોંશે હોંશે જોડાઈ ગયા હતા. આ ઘટનાની સ્થાનિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે કે કલેકટર છે કે, શું સરકારી કચેરીઓ ઉજવણી અને તાયફા કરવા માટે છે ? પરંતુ કલેકટરને તો આ ઘટના સામાન્ય લાગે છે.
જવાબ આપવામાં મામલતદાર ઑન વે થઈ ગયા !
આ મામલે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો પક્ષ જાણવા માટે અમે સૌ પ્રથમ ગારીયાધારના મામલતદાર લાવડીયાનો સંપર્ક કરતા તેઓએ ‘ઑન વે’ હોવાનું બહાનું ધરી છટક બારી શોધી હતી. એટલું જ નહીં તેઓ એવા ક્ષોભમાં મુકાયા કે તેમણે પોતાનું પુરું નામ જણાવવામાં પણ ‘ઑન વે’ હોવાનું બહાનું ધરવું પડ્યું હતું.

કલેકટરનો જવાબ પણ રસપ્રદ
મામલતદારના જવાબ મેળવ્યા બાદ અમે કલેકટર આર. એસ. પારેખ સાથે ફોન મારફતે જવાબ લેવા પ્રયાસ કર્યો હતો. જેમાં કલેકટરે કહ્યું હતું કે, ‘આ દિવસે મારો જન્મદિવસ હતો પણ ત્યાં ઉજવણીનું આયોજન ન હતું. હું ત્યા અગાઉથી નિર્ધારીત કાર્યક્રમ મુજબ પહોંચ્યો હતો પરંતુ ત્યાં તેમણે (મામલતદાર લાવડીયાએ) આયોજન કરી રાખ્યું હતું.’ કલેકટર પારેખને આ બાબતે તેમનો પક્ષ રાખવાનું કહેતા તેમણે ઉપરોક્ત જવાબ સાથે કહ્યું હતું કે ‘તમારે જ ગણવું હોય તે ગણો’. એટલું જ નહીં આ બર્થડે પાર્ટીમાં ધારાસભ્ય હાજર હતા કે નહીં તેવું પુછતા પહેલા તો કલેકટરે નનૈયો ભણ્યો હતો પરંતુ નવજીવના પત્રકારે ફોટોગ્રાફમાં ધારાસભ્ય દેખાય છે તેમ કહેતા તેમણે કહ્યું કે, ‘હા તો અંદર આવ્યા હશે મને ખબર નથી.’ આ કલેકટરે બર્થેડે પાર્ટીના વિવાદથી જાત બચાવવા પુરતા પ્રયાસ કર્યા હોય તેમ તેમના જવાબ પરથી જણાય છે.
સમગ્ર ઘટના બાદ ભાવનગર જિલ્લામાં ચર્ચાઓ શરૂ થઈ છે કે, મામલતદાર લાવડીયા દ્વારા કલેક્ટર સાહેબને વહાલા થવા માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારસભ્ય સુધીર વાઘાણીની હાજરીએ પણ સ્થાનીકોને આશ્ચર્યમાં મુક્યા છે.
Tag: Collector’s Birthday Party in Bhavnagar
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








