નવજીવન ન્યૂઝ. અરવલ્લી: ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ દ્વારા સતત ત્રીજી વખત બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દેવામાં આવ્યો છે. ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં બે ગુજરાતીઓ પણ છે, પરંતુ તેમની સ્થિતિ જોતાં જણાય છે કે સરકાર આ યુવાનોને પ્રોત્સાહિત કરવામાં કેટલી નિષ્ફળ રહી છે. કારણ કે, વર્ષ 1998થી અત્યાર સુધી જે ખિલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ કરી ત્રણ વર્લ્ડ કપ હાંસલ કર્યા તેમની સ્થિતિ અત્યંત દયનીય છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા ગામના ભાલાજી ડામોર વર્ષ 1998થી ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો હિસ્સો છે, તેમ છતાં તેમને જીવન નિર્વાહ કરવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી, મજૂર અને ઢોર ચરાવવા જેવી પ્રવૃત્તિઓ કરવી પડે છે. આટલા વર્ષોથી બ્લાઈન્ડ ક્રિકેટ ટીમમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હોવા છતાં સરકાર અને ક્રિકેટ બોર્ડ તરફથી માત્ર પ્રશંસા સિવાય કઈ મળ્યું નથી.

ભાલાજી ડામોરની જેમ જ ભિલોડા તાલુકાના લૂસડિયા ગામના વિકાસ પટેલ પણ વર્ષ 2012થી ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો હિસ્સો છે અને ભારતને વર્લ્ડ કપ જિતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી ચૂક્યા છે, તેમ છતાં તેમને પણ સરકાર અને ક્રિકેટ બોર્ડ દ્વારા માત્ર પ્રશંસા સિવાય કઈ મળતું નથી. તેઓ જીવનનિર્વાહ કરવા માટે એક નાનું કેબિન પાર્લર ચલાવે છે. સરકાર તરફથી યોગ્ય પ્રોત્સાહન ન મળતા તેમણે 2015માં ઈંગ્લેન્ડ ખાતે રમાયેલા વર્લ્ડ કપમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

જ્યારે ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા બની ત્યારે તરત જ PM મોદીએ ટ્વિટ કરીને ટીમને અભિનંદન પાઠવ્યા હતા, પણ શું PM મોદી જાણે છે કે આ ખિલાડીઓ દેશને વર્લ્ડ કપ વિજેતા બનાવીને પોતાના ઘરે પરત ફરે છે ત્યારે તેમની સ્થિતિ શું હોય છે. અન્ય ક્રિકેટ ટીમના ખિલાડીઓને સરકાર અને ક્રિકેટ બોર્ડ લાખો કરોડો રૂપિયા આપે છે, જેના કારણે આ ખિલાડીઓને ખ્યાતિ પણ એટલી જ મળે છે. પરંતુ આ ખેલાડીઓ પ્રત્યે સરકાર અને ક્રિકેટ બોર્ડની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી છે.
આ ખિલાડીઓ કોઈ પણ અપેક્ષા વગર દેશનું પ્રતિનિધિત્વ કરીને દેશનું નામ વિશ્વના ફલક ઉપર રોશન કરે છે તેમ છતાં સરકાર તેમની ઉપર ધ્યાન સુધ્ધાં આપતી નથી. પણ ખરેખર તો અન્ય ખીલડીઓ કરતા પણ વધારે આ ખિલાડીઓને આર્થિક મદદની જરૂર હોય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








