નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતાં લોકોને પોલીસ પકડી રહી છે. થોડા મહિના પહેલા અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી જે લોકો પાકિસ્તાનના લોકો સાથે સંપર્કમાં હતા. હવે સુરત પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, માનવમાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના એજન્ટ સાથે સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયાના મધ્યમથી દેશની ગોપનીય માહિતી ISI એજન્ટને આપી રહ્યો હતો.
સુરત પોલીસે કેવી રીતે ઝડપ્યો ISI એજન્ટ?
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા દિપક સાળુંકે નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દીપક સાળુંકેના એકાઉન્ટમાં અવાર-નવાર પાકિસ્તાનથી નાણાં ટ્રાન્સફર થતાં હોવાનું ધ્યાને આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ દેશની અને સેનાની ગોપનીય માહિતી પાકિસ્તાની ISI એજન્ટને મોકલતો હતો અને સાથે જ સુરતથી સીમકાર્ડ પણ પાકિસ્તાન મોકલતો હતો. ત્યાર બાદ સુરત પોલીસે દિપક સાળુંકેની ધરપકડ કરી હતી.
શું કહ્યું સુરત પોલીસ કમિશનરે?
આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યુ હતું કે, “ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલો દીપક સાળુંકે છેલ્લા 6-7 મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસુસી સંસ્થા ISIના એજન્ટ હમીદને ભારતીય સેનાની ગતિવિધિની સંવેદનશીલ માહિતી વ્હોટ્સએપ મેસેન્જર અને કોલિંગથી પહોંચાડતો હતો. જેના બદલામાં પાકિસ્તાની ISIના એજન્ટ હમીદ તરફથી દીપકને ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી રૂપિયા ૭૫,૮૫૬ જેટલી રકમ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. દીપક સાળુંકેની વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આ પ્રકરણમાં વધુ તપાસ માટે દેશ અને રાજ્યની ઇન્ટેલિજન્સ એજન્સીઓને પણ જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.”
દિપક સાળુંકે કેવી રીતે ISI સાથે જોડાયો?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દીપક સાળુંકે મહામારી પહેલા કપડાનો વેપાર કરતો હતો, ત્યાર બાદ લોકડાઉનના કારણે તેનો ધંધો પડી ભાંગ્યો હતો અને તે ઓનલાઈન મની ટ્રાન્સફરના ધંધામાં જોડાયો હતો જેમાં તે પૂનમ શર્મા નામના એક એકાઉન્ટ સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ પૂનમ શર્મા નામનું એકાઉન્ટ ધરાવતા વ્યક્તિએ જણાવ્યું હતું કે તે પાકિસ્તાની જાસૂસ છે અને ISI માટે કામ કરે છે જો દિપક તેની મદદ કરશે અને માહિતી આપશે તો તેને યોગ્ય વળતર પણ મળશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








