Tuesday, May 5, 2026
HomeBusinessરોકાણકારોનો ક્રિપ્ટોમાં વિશ્વાસ ભંગ થશે તો સોનાની મોટી તેજીના મંડાણ

રોકાણકારોનો ક્રિપ્ટોમાં વિશ્વાસ ભંગ થશે તો સોનાની મોટી તેજીના મંડાણ

- Advertisement -

ક્રિપ્ટોબજારની નિરાશા બુલિયન બજારમાં ઠલવાતી જોવા મળી

સોનામાં મજબૂત તેજીના મંડાણ ન થાય ત્યાં સુધી છાસ ફુંકીને પીવાનો તેજીવાળાનો મત

- Advertisement -

ક્રિપ્ટોકરન્સીમાં મંદીના વાયરા સોનાની તેજીને હવા આપશે

સોનાએ કોમોડીટી બજારોને પણ તેજીમાં જવાની ફરજ પાડી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સતત સાત મહિના સૂધી મંદિવાળાઓએ બજાર પર મજબૂત પકડ રાખ્યા પછી, છેક હવે સોનાનો આંતરપ્રવાહ બદલાયો છે. તાજેતરના ભૂતકાળમાં આપણે જોયું છે કે નાનીનાની તેજી વખતે તેજીવાળા, મંદિવાળાના કારસામાં ફસાઈ ગયા હતા. આવા ટ્રેડરો હવે મજબૂત તેજીના મંડાણ ન થાય ત્યાં સુધી છાસ ફુંકીને પીવાનો મત ધરાવે છે. અમેરિકન કંજુમર પ્રાઇસ ઇંડેક્સ ૯ મહિનાને તળિયે આવી ગયો છે, ત્યારે યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં વ્યાજદરમાં નાનો વધારો કરશે, એવા અનુમાન પર ભંભોટિયા તેજીવાળા ભાવ ૧૮૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) કે તેથી વધુ ઊંચે જશે એવી આશાએ જોખમ લેવા તૈયાર થયા છે.

- Advertisement -

ક્રિપ્ટોકરન્સી બજારમાં મંદીના વાયરા શરૂ થયા છે, આ વાયરા સોનામાં સોનાની તેજીને હવા આપશે. ક્રિપ્ટોના ભાવ જે રીતે ઘટયા છે તે જોતાં, રોકાણકારો હવે સોનામાં હેજિંગ (ખોટ બચાવવા) કરવા આવે તેવી શક્યતા પણ છે. પાછલા સપ્તાહમાં એફટીએક્સ ક્રિપ્ટો એક્સ્ચેન્જ સંદર્ભની ચિંતાઓ નિર્માણ થયા પછી, ખાસ કરીને ક્રિપ્ટો રાજા ગણાતો બિટકોઇન ગત સપ્તાહે ૨૫ ટકા તૂટયો હતો, ક્રિપ્ટોબજારમાં નિરાશા ફેલાઈ છે, જે બુલિયન બજારમાં ઠલવાતી જોવા મળી રહી છે. અત્યારે તો કેટલું ફંડ બુલિયનમાં આવ્યું છે, તેના પક્કા આંકડા ઉપલબ્ધ નથી પણ જો થશે.

આમ તો ક્રિપ્ટો રોકાણકારોમાં સોના પ્રત્યે લાગણીના સંબંધો નહીં જેવા હોય છે. પણ હવે ડિજિટલ કરન્સી ક્રિપ્ટો કરતાં સોનું પ્રમાણમાં વધુ સલામત જણાય છે, આથી તેમના તરફથી બુલીયનને વધુ આદર મળી રહ્યો છે. શુક્રવારે સોનું ૧૧ સપ્તાહની ઊંચાઈએ ૧૭૭૨ ડોલર નોંધાયું હતું. આમ લાંબા સમય પછી ૧૭૫૦ ડોલરનું ગંભીર લક્ષ્યાંક પણ પાર પડી ગયું છે. એનાલિસ્ટો કહે છે કે બુલિયન અત્યારે ઓવર બોટ સિચ્યુએશનમાં છે, ૧૭૯૬ અને ૧૮૦૫ ડોલર વચ્ચે મોટું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. આ સ્થિતિમાં નાણાકીય તાકાત ધરાવતા મંદિવાળા વળતાં હુમલા માટે તૈયાર થાય તો સોનાના ભાવ ૧૭૩૦-૧૭૧૦, ૧૬૯૩-૧૬૮૦ ડોલરને લક્ષ્યાંક બનાવવા, બજારમાં વળતો પ્રહાર કરશે.

આ સ્થિતિમાં જો ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કો પોતાની નાણાંનીતિ વધુ ટાઈટ બનાવે તો સોનાની આ તેજી કમોસમી, બટકણી અને વધુ પડતી ઓવરબોટ પુરવાર થઈ શકે છે. અલબત્ત, અમેરિકન સેન્ટ્રલ બેન્ક અત્યાર સુધી તો વધુ પડતી ટાઈટ થવાથી દૂર રહી છે. તેણે જે કઈ વ્યાજદરો વધાર્યા તેનાથી સ્ટેગફલેશન (ફુગાવાથી ઊંધી સ્થિતિ) નિર્માણ થયું છે, અને સોનાને ઊંચે જવાનો માર્ગ મોકળો કર્યો છે. જાગતિક એનાલિસ્ટોનું માનવું છે કે આખા વિશ્વની સેન્ટ્રલ બેન્કો નાણાનીતિ ટાઈટ કરવાની રેસમાં ઉતરી છે, ત્યારે ફેડ ચેરમેન પોવેલ અને તેમના સાથીઓ પણ વ્યાજદર વધારાની ઉગ્ર નીતિ ચાલુ રાખશે. આથી તેઓ માને છે કે ફુગાવો ઝડપથી કાબુમાં આવશે અને તેથી ફેડ પણ કડક પગલાં લેવાથી દૂર રહેશે.           

- Advertisement -

ગત ગુરુવારે અમેરિકાનો ઓકટોબર કંઝૂમર પ્રાઇસ ઇંડેકસ, અર્થશાસ્ત્રીઓની ધારણા ૭.૯ કરતાં ઓછો સપ્ટેમ્બરના ૮.૨ ટકા સામે, માત્ર ૭.૭ ટકા આવતા સોનાએ કોમોડીટી બજારોને પણ તેજીમાં જવાની ફરજ પાડી હતી. ઐતિહાસિક રીતે જોવા જી તો આ વર્ષે જાન્યુઆરી પછી પહેલી વખત આ સૌથી ઓછું વાર્ષિક સરેરાશ ફુગાવાદર હતો. યુરો, યેન, કેનેડીયન ડોલર, સ્વિડિશ ક્રૉન, અને સ્વિસ ફ્રાન્ક સહિત છ કરન્સી બાસ્કેટના બનેલો ડોલર ઇંડેકસ ગત ગુરુવાર પછી એક જ દિવસમાં ૨.૫ ટકા તૂટી ૧૦૬.૭૭ પોઈન્ટ મુકાયો હતો, જે ગુરુવારે ત્રણ સપ્તાહની ઊંચાઈએ ૧૧૩ પોઈન્ટ હતો. આ અગાઉ ૨૭ ઓકટોબર ૨૦૧૧ના રોજ ડોલર ઇંડેક્સ એક જ દિવસમાં ૧.૯ ટકા તૂટયો હતો.    

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular