નવજીવન ન્યુઝ, અમદાવાદ : અસંગઠિત મહિલાઓના વિકાસ અને ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરી દેનાર દેશના પ્રખર સમાજીક કાર્યકર ઈલાબહેન ભટ્ટ (Ela Bhatt)નું આજરોજ દુઃખદ અવસાન થયું છે. છેલ્લા ઘણાં સમયથી નાદૂરસ્ત ઈલાબહેન 7 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પરંતુ, ઈલાજ કારગત નહીં નિવડ્યો અને ઈલાબહેને ફાની દુનીયાને અલવિદા કર્યું છે. ઈલાબહેનના નિધન (Elaben Bhatt Death)ના સમાચાર મળતા જ લોકો દુઃખમાં ગરકાવ થયા છે. ઈલાબહેનનું સમાજ માટેનું યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. સમાજ માટે ઈલાબહેનના યોગદાને તેમને રેમન મેગ્સેસે, પદ્મભૂષણ અને રાઈટ લાઈવલી હૂડ જેવા એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે જ્યારે મહિલાઓની વાત આવે એટલે ઈલાબહેન ભટ્ટનું (Elabahen Bhatt) નામ અને સરાહનીય કાર્ય અચૂક યાદ કરવામાં આવે છે. ત્યારે ઈલાબહેન હવે આ દુનિયામાં નથી રહ્યાં તે સમાચાર દેશના સામાજીક કાર્યકરો માટે હજુ પણ માનવમાં ન આવે તેવી વાત છે. જ્યારે મહિલાના વિકાસ અને મહિલાઓના ઉત્કર્ષ માટે વાત થાય ત્યારે ઈલાબહેનના જીવન અને અસંગઠિત મહિલાઓના ઉદ્ધાર માટે તેમણે કરેલા કાર્યો પર પ્રકાશ પાડવો જ પડે.
મહિલાના ઉત્કર્ષ માટે ‘સેવા’ની સ્થાપના
ઈલાબહેને વર્ષ 1972માં અસંગઠિત ગરીબ સ્વાશ્રયી બહેનોના ઉત્કર્ષ માટે ‘સેવા-SEWA’ સંસ્થાની સ્થાપના કરી હતી. મહિલાઓના આ સંગઠનમાં શરૂઆતમાં તો 4,900 સભ્યો હતા પરંતુ વર્ષ 2013 સુધીમાં 20 લાખ જેટલા મહિલાઓ આ સંગઠન સાથે જોડાઈ ફાયદો મેળવતા થયા હતા. મહત્વની વાત છે તેમની સંસ્થા સાથે લગભગ 90 જેટલા સહકારી એકમો જોડાયા. ઉપરાંત ફેરિયાઓ, દાયણો, કચરો વીણનારાં અને વણાટકામ કરનારાં, એમ વિવિધ વ્યવસાયોની સહકારી મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે. સૌથી અગત્યનું કે સેવા દ્વારા મહિલાઓ માટે અલાયદી બેન્કિગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્ય સહિત દેશની અનેક બહેનોને સેવા બેન્ક દ્વારા મૂડી બચત કરતા શીખવી આ બેન્ક દ્વારા ઓછા વ્યાજે લોનની સુવિધા પણ પુરી પાડી હતી. હાલ ઈલાબહેને નાખેલો સેવાનો પાયો ખુબ મોટા સ્તર સુધી પહોંચી ચૂકી છે.








