નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ફાયર વિભાગ પણ સતત સતર્ક રહીને લોકોને ફાયર એનઓસી લેવા માટે સૂચનો કરે છે અને ફાયર ઇક્વિપમેન્ટ્સ રાખવા માટે પણ આગ્રહ કરે છે, તેમ છતાં આગની ઘટનાઓ વધી રહી છે. ગત મોડી રાતે સુરતમાં આવેલી બાલાજી નમકીનના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ લાખોની કિંમતનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
પ્રાથમિક જાણકારી મુજબ, સુરતમાં બારડોલી ધુલિયા ચોકડી નજીક આવેલા બાલાજી નમકીનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગી તે સમયે ગોડાઉનમાં 11 જેટલા ટ્રક પર્ક્ક કરેલા હતા, જેમાં મોટા પ્રમાણમાં નમકીન અને વેફર્સ ભરેલા હતા. આગ લાગવાના કારણે આ તમામ ટ્રક અને તેમાં ભરેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો અને લાખોનું નુકસાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસ સહિત ફાયર વિભાગની 3 ટીમ આગને કાબુમાં લેવા માટે દોડી આવી હતી, પરંતુ ભીષણ આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગને કલાકોનો સમય લાગ્યો હતો. બાલાજી નમકીનના ગોડાઉનમાં આગ વાગવાની વાત ફેલાઈ જતાં આસપાસના લોકોના ટોળાં ઉમટી આવ્યા હતા. હાલ આગ ઉપર કાબૂ કરી લેવામાં આવ્યું છે અને હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોય તેવું સામે આવ્યું નથી.








