નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં એક મહિલા અને પોલીસની સતર્કતાના કારણે એક બાળકી નરાધમના હાથે પીંખાતા રહી ગઈ છે. નરાધમ બાળકીને શિકાર બનાવે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રજા અને પોલીસના સંકલનના કારણે આજે એક બાળકી ભોગ બનતા બચી ગઈ છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં આવેલો દરિયા કિનારો ડુંમસ બિચ પર મોટી સંખ્યામાં પ્રયટકો આવતા હોય છે. લાખોની સંખ્યામાં પ્રવાસી આવતા હોવાના કારણે કાયદાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રજા સાથે સંકલન કરીને પોલીસ દ્વારા તેમના નંબર સ્થાનિક લોકોને આપવામાં આવ્યા છે અને સ્થાનિકના પણ નંબર પોલીસે લીધા હતા. આ સંકલનના કારણે અનિચ્છનીય બનાવ બનતા અટકાવામાં પોલીસને સફળતા મળી છે.
સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી ઘર પાસે આવેલા મેદાનમાં રમતી હતી. ત્યારે એકલતાનો લાભ લઈને સુરતના ઉધના વિસ્તારના દિપેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતો દીપ ચાવલા નામનો 35 વર્ષીય વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે બાળકી પર નજર બગાડીને ખાવાની વસ્તુની લાલચ આપીને બાળકીને પોતાના ખાનગી ટુ-વ્હીલર લઈને ડુમ્મસ વિસ્તારમાં આવ્યો હતો. યુવક બાળકીને ઝાડીઓમાં લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન મકાઈ ભેળની લારી ચલાવતી મહિલા તેને જોઈ રહી હતી. મહિલાને શંકા જતાં તુરતં પોલીસને જાણકારી આપી હતી. મહિલાના ફોનના આધારે પોલીસને જાણકારી મળતા પોલીસ કર્મીઓ તાત્કાલીક બીચ પર આવી પહોંચ્યા હતા અને નરાઘમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.








