નવજીવન ન્યૂઝ.મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના નાસિકમાં આજે વહેલી સવારે મુસાફરોથી ભરેલી એક લક્ઝરી બસમાં આગ લાગતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આ અકસ્માતમાં અન્ય 38 મુસાફરો દાઝી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેઓ હજુ પણ મૃત્યુનો ચોક્કસ આંકડો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ દુર્ઘટના ઔરંગાબાદ રોડ પર નાસિકના નંદુર નાકા મિર્ચી હોટલ પાસે સવારે લગભગ 5 વાગ્યે થઈ હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કન્ટેનર સાથે અથડાવાને કારણે બસમાં આગ લાગી હતી. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી, જ્યારે કન્ટેનર ટ્રક નાશિકથી પુણે જઈ રહી હતી.
ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માતના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પેસેન્જર બસ આગનો ગોળો બની ગઈ છે અને ધુમાડાથી સળગી રહી છે.








