Sunday, May 31, 2026
HomeGujaratરખડતાં ઢોરની અડફેટે યુવકના મોત મામલે હાઈકોર્ટે સરકારને બાનમાં લીધી

રખડતાં ઢોરની અડફેટે યુવકના મોત મામલે હાઈકોર્ટે સરકારને બાનમાં લીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં રસ્તે રઝળતાં ઢોર મુદ્દે હાઈકોર્ટે અનેકવાર સરકાર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, 2020 થી લઈને 2022ના અત્યાર સુધીના આંકડા મુજબ રખડતાં ઢોરના ત્રાસથી 163 લોકોના મોત થઈ ચુક્યા છે. આવો જ એક બનાવ અમદાવાદના નવા નરોડા વિસ્તારનો બન્યો હતો જેમાં ગાયની અડફેટે આવતા યુવકનું મોત થતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઈકોર્ટે ફરી એકવાર સરકારની ઝાટકણી કાઢીને સરકારને સવાલ કર્યો છે. 

શું હતો સમગ્ર મામલો?

- Advertisement -

તાજેતરમાં રખડતા ઢોરને લઈને એક ઘટના બની હતી. જેમાં નવા નરોડાના કે. બી. પટેલ નામનો 33 વર્ષનો યુવક દસ્તાવેજોની ફોટો કોપી કરાવવા જતો હતો. દરમ્યાન રખડતી ગાય દોડીને તેના બાઇક સાથે અથડાઇ હતી અને યુવક સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. મૃતકના પરિવારને વળતરની અરજી સાથે કેસ હાઈકોર્ટ પહોંચ્યો હતો.

ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને બાનમાં લીધી

આ અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારે ઝીણવટભરી વિગતો તપાસ્યા બાદ સરકારને બાનમાં લીધી હતી. મૃતકના પરિજનોને વળતર કેટલું, કેવી રીતે અને ક્યારે આપશો તે અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. મહત્વનું છે કે, સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ ગેરહાજર રહ્યા હતા અને સરકારે લુલો બચાવ કરતાં રજૂઆત કરી હતી કે,  સુનાવણી અન્ય દિવસ પર મોકૂફ રાખવામાં આવે. ખંડપીઠે સરકારને આ મામલે ગંભીરતાથી તૈયારી કરવાનો નિર્દેશ કરી આ અંગેની વધુ સુનાવણી ગુરૂવાર પર મુકરર કરી છે.

- Advertisement -

કોર્ટે અગાઉ આપ્યું હતું અલ્ટિમેટમ

ઉલ્લેખનીય છે કે, અગાઉ થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકાર અને કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. તેમજ હવે પછી રખડતા ઢોરને લીધે કોઇનું મૃત્યુ ઇજા કે અકસ્માત ન થવા અંગે અલ્ટિમેટમ આપ્યું હતું. ત્યારે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને એવી દલીલ રજૂ કરી હતી કે, સરકાર આ અંગે વળતરની નીતિ અને જવાબદારી નક્કી કરે તેવી તાતી જરૂરિયાત છે.

ઉલ્લેખનીય છે  કે, રખડતાં ઢોરના ત્રાસથી રાજ્યમાં થયેલા મોતના આંકડાનો જે સર્વે કરાયો હતો તેમાં કુલ મળીને 163 નો આંકડો બહાર આવ્યો હતો. તેમાં ક્રમશ: 2020માં 42, 2021માં 61 અને 2022માં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular