નવજીવન ન્યૂઝ. ખેડાઃ ખેડાના ઉઢેલા ગામમાં ગઈકાલે આઠમાં નોરતે માતાજીના ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાન અસામાજિક તત્વનું ટોળું ધુસી આવ્યું હતું અને ગરબે ઝુમી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો. 150ના ટોળાએ પથ્થરમારો કરતા ગામમાં અફરાતફરીનો માહોલ બન્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મી સહિત 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ આ ઘટના અંગે પોલીસે 43 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત 10 જેટલાની તોફાની તત્વોની અટકાય કરવામાં આવી છે.
ખેડામાં બનેલી ઘટના અંગે સમાજમાં દાખલો બેસાડવા તોફાની તત્વોને ગામના ચોકમાં લાવીને પોલીસ દ્વારા મેથીપાક આપવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ગામના લોકો એકત્રી થઈ ગયા હતા. ગામના લોકોએ પોલીસની કાર્યવાહી જોઈને ભારત માતાકી જયના નારા પણ લગાવ્યા હતા. પોલીસે તોફાની તત્વોને વીજના થાંભલે ઊભા રાખીને પોલીસની લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેરમાં માફી પણ મગાવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને થર્ડ ડિગ્રી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે હાલ પથ્થરમારો કરાનારા અન્ય વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે.








