નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તાજેતરમાં દુધસાગર ડેરીમાં કૌભાંડના આરોપમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસ નવો વળાંક લઈ રહ્યો છે. આ કેસના સંબંધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોર્ટનું તેડુ આવ્યું છે. કોર્ટએ બંને નેતાઓને આગામી 6 તારીખે મહેસાણા કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.
દુધસાગર ડેરીમાં કૌભાંડના કેસ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાને કોર્ટનું સમન્સ આવતા બંને નેતાઓ દ્વારા આજે અમદાવાદમાં સયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં શંકરસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે, અમને જુબાની આપવા માટે 6 તારીખનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિપુલ ચૈધરી આજે પણ ભાજપના છે અને ગઈકાલે પણ હતા. તેમના પર ડેરી અંગેના જે પણ કોઈ કેસ હોય તેનાથી અમને કોઈ વાંધો નથી. પરંતું મેં અને અર્જુનભાઈ NDDBના ચેરમેન તરીકે વિપુલ ચૈધરીની ભલામણ કેમ કરી હતી તે અંગે કંઈ પુછવામાં આવશે તો અમે જાહેરમાં કઈએ છીએ ભલામણ કરવાનું અમારૂ કામ છે. અમે ભલામણ કરી હતી, ભલામણ કરવી તે ચારી નથી. તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રૂબરૂ બોલાવી એન.ડી.ડી.બી.ના ચેરપર્સન તરીકે સ્વ. એચ.એમ. પટેલની સુપુત્રી ડૉ. અમૃતા પટેલ માટે અભિપ્રાય મગાવ્યો હતો. તે વખતે પોતાનો અભિપ્રાય આપી ભલામણ કરી હતી.
આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, મહેસાણા કોર્ટમાંથી સરકારી વકીલ મારફત સમન્સ મળ્યું છે. આ સમન્સની અંદર 6 તારીખે સાક્ષી તરીકે હાજર રહેવા માટે બોલાવ્યા છે. મારે સરકારને ગુજરાતની જનતા વતી જણાવવું છે કે, રાજ્યની સરકારી સંસ્થાઓ ભાજપના બાપની મિલ્કત નથી. વિપુલ ચૌધરી જે ડેરીના ચેરમેન હતા તે દુધસાગર ડેરી એશિયાની સૌથી મોટી ડેરી હતી. ભાજપની કુટીલતા અને સહકારી સંસ્થાઓની મલાઈ ખાવાની જે મનોવૃતિ છે તેના કારણે દુધસાગર ડેરી તળીયે આવી ગઈ છે. વિપુલ ચૌધરી ભાજપના હોવા છતાં શર્ણાગતી નહોતા સ્વીકારતા. તેમણે સભાસદોના વફાદાર હતા અને ભાઉના વફાદાર ન હતા એટલે જેલમાં જવું પડ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણના જુના જોગી ગણાતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રીય થયા છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. પરંતું આજની પત્રકાર પરિષદમાં અર્જુન મોઢવાડીયા આ અંગેના સંકેત આપતા કહ્યું હતું કે, તમારી આતુરતાનો અંત આવશે, બાપુ માટે માર્ગ મોકળો જ છે, બાપુ કોંગ્રેસમાં જોડાશે કે નહી તેનો નિર્ણય બાપુ અને હાઈકમાન્ડ સાથે મળીને કરશે.
સાભાર- તોફીક ઘાંચી








