નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આગામી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ પ્રધાનસેવક નરેન્દ્ર મોદી બે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના છે. 29 તારીખે નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન માટે અને 30 તારીખે અમદાવાદમાં મેટ્રો સેવાની શરૂઆત કરવા માટે પીએમ મોદી અમદાવાદ અવવાના છે, ત્યારે ગુજરાત સરકાર અને અમદાવાદ કોર્પોરેશન પ્રધાનસેવકની સેવામાં લાગી જ જાય તે સ્વાભાવીક છે, પરંતુ સામાન્ય પ્રજા પર આ દિવસો દરમિયાન કેવી હાલાકી પડશે તેના ગણિત જાણે કોઈ માંડતું જ નથી. તેવી જ રીતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS બસને પીએમના કાર્યક્રમમાં લોકોને લાવવા માટે ફાળવવામાં આવી છે, જો કે આ સમયે સામાન્ય લોકો કે જેઓ મુસાફરી માટે બસ પર નભે છે તેવા લોકો શું કરશે તે પણ એક પ્રશ્ન છે.
આગામી 29 સપ્ટેમ્બરના રોજ પ્રધાનસેવક અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી નેશનલ ગેમ્સ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યાર બાદ બીજા દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે અને બંને જગ્યાએ સભાને સંબોધિત કરશે. હવે જ્યારે પ્રધાનસેવકનું સંબોધન હોય ત્યારે લોકોને એકત્રિત કરવાની જવાબદારી પણ સ્થાનિક તંત્રની જ હોય ને!
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રધાનસેવકના 29 તારીખના કાર્યક્રમ માટે કોર્પોરેશન દ્વારા 400 બસની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 30 તારીખના કાર્યક્રમ માટે 800 જેટલી બસની ફાળવણી કરવામાં આવી છે. હવે અહિયાં સવાલ એ ઊભો થાય છે કે જો આટલી બધી બસ માત્ર પ્રધાનસેવકના કાર્યક્રમમાં જશે તો રોજિંદા સફર માટે જે લોકો આ સેવાનો ઉપયોગ કરે છે તેમનું શું થશે? આમ પણ રોજ બસની સંખ્યા અને ફ્રિક્વન્સી ઓછી હોવાને કારણે આ લોકો તો ધક્કા મુક્કી કરતાં જ મુસાફરી કરે છે પણ આ દિવસે કેવી રીતે મુસાફરી થશે તેનો તેમને યક્ષ પ્રશ્ન રહેશે. નોકરી અને શાળા-કોલેજ જવા માટે અનેક લોકો આ સેવાનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે તેમણે શું બે દિવસ રજા રાખીને ઘરે રહેવાનું કે પછી પ્રધાનસેવકના કાર્યક્રમમાં જતું રહેવાનું તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
આ અંગે સ્પષ્ટતા કરવા માટે નવજીવન ન્યૂઝ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન શહેરાનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો પણ તેમણે કોલ રિસીવ કર્યો ન હતો. ત્યાર બાદ તેમના ઓફિસ નંબર પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમાં પણ વાત થઈ શકી ન હતી. ત્યાર બાદ AMTS ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહનો પણ સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે પણ કોલ રિસીવ કર્યો ન હતો. આમ જો આ અધિકારીઓ પત્રકારોના ફોન રિસીવ કરવાનું ટાળતા હોય તો સામાન્ય પ્રજા માટે તેઓ શું કામ કરતાં હશે તે પણ અગત્યનો પ્રશ્ન છે.








