નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં અનેક જાહેર સ્થળો પર રાજકીય પક્ષ દ્વારા પાર્ટીના નીશાનના ચિતરામણ કરવામાં આવ્યા હતા. જોકે માત્ર સતાધારી પાર્ટી જ નહીં પરંતું કોંગ્રેસ અને આપ દ્વારા પણ આ પ્રકારના ચિતરામણો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જ્યાં પણ નજર પડે તે જગ્યા પર રાજકીય પાર્ટીના ચિતરામણો નજરે જોવા મળતા હતા. આ મામલે લોકો અનેક વખત ફોટા પાડીને સોશિયલ મીડિયામાં રોષ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે આ ચિતરામણોને દૂર કરવાં AMCએ 70 લાખનો ખર્ચ કર્યો છે.
ચૂંટણી પહેલા જાહેર સ્થળોએ અને સરકારી મીલકલો પર ચિતરામણ કરવા માટે હોડ લાગી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. મોટા ભાગની દિવાલો પર એક સાથે ત્રણ પાર્ટીના ચિતરામણો કરાયેલા હતા. જોકે આ ચિતરામણોને દૂર કરવા માટે AMC દ્વારા દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંત હવે કોઈ રાજકીય પક્ષ દ્વારા ચિતરામણ કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરીને દંડ પણ ફટકારવામાં આવશે.








