નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં ઠેર-ઠેર માલધારી સમાજ દ્વારા પોતાની માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે માલધારી સમાજ દ્વારા દૂધ નહીં ભરાવાનો અને વેચાણ નહીં કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની અસર ગઈકાલ રાતથી જ અનેક જિલ્લાઓમાં જોવા મળી હતી. સરકારથી નારાજ માલધારી સમાજ દ્વારા અમદાવાદમાં બેનર લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલા ગાય સર્કલ પાસે આજે માલધારી સમાજ દ્વારા બેનલ લગાવવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ભાજપના કોઈપણ વ્યક્તિએ ગામમાં પ્રવેશ કરવો નહીં, લી. વાડજ ગામ ભરવાડ વાસ આ પ્રકારનું લખાણ લખ્યું હતું. ઉપરાંત માલધારી સમાજ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવામાં આવ્યો હતો. દૂધ હડતાળને પગલે દૂધનો જે સ્ટોક વધ્યો હતો તેની ખીર બનાવીને લોકોને પ્રસાદ તરીકે આપવામાં આવી હતી.
માલધારી સમાજ દ્વારા જે ખીર બનાવવમાં આવી હતી તેનો લાહવો લેવા માટે મોટી સંખ્યમાં લોકો આવી પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા એક માલધારી સમાજના યુવાને જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા માલધારીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે એક દિવસની હડતાલ પાડવામાં આવી છે. આજે જે દૂધનો સ્ટોક વધ્યો હતો, તેને દ્વારકાધીશના પ્રસાદ રૂપે ખીર બનાવીને લોકોને આપવામાં આવી હતી.








