Saturday, May 30, 2026
HomeGujaratભાજપને તેના જેવો જ મળી ગયો- AAP પર રેડ, સત્ય કે સ્ટંટ...

ભાજપને તેના જેવો જ મળી ગયો- AAP પર રેડ, સત્ય કે સ્ટંટ આવો જાણીએ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના કારણે દરેક રાજકીય પક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ થતાં જ હોય છે, પણ આપણાં માટે કયા આક્ષેપો સાચા છે અને કયા ખોટા તે જાણવું અગત્યનું છે. ગઇકાલે અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવ્યા ત્યારથી ગુજરાત આપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમની ડેટા ઓફિસ ઉપર ગુજરાત પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ અંગે સ્પષ્ટતા કરતાં અમદાવાદ પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે તેમના દ્વારા આવા કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી.

હવે આ આખી ઘટનામાં સાચું કોણ અને ખોટું કોણ તે જાણવું અગત્યનું છે. નવજીવન ન્યૂઝ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે ગઇકાલે રાતના સમયે જ્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કકર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે તેમને એક વ્યક્તિ ઉપર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી, પરંતુ તે વ્યક્તિ હિન્દી ભાષી હોવાને કારણે પોલીસની વાત સમજી શક્યો ન હતો. ત્યાર બાદ જ્યારે પોલીસ કર્મચારી હિન્દીમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ વ્યક્તિ ભાગીને સામેની એક બિલ્ડિંગમાં જતો રહ્યો હતો.

- Advertisement -

પોલીસ જ્યારે આ વ્યક્તિની પાછળ એ બિલ્ડિંગમાં ગઈ ત્યારે ત્યાં અન્ય 10 થી 12 જેટલા અન્ય વ્યક્તિઓ હતા અને તમામ લોકો હિન્દીમાં વાત કરતાં હતા, જેના કારણે પોલીસ તેમને પૂછ્યું કે તમે કોણ છો અને અહિયાં શું કરો છો. જેના જવાબમાં આ વ્યક્તિઓએ પોલીસ પાસે આઈડી કાર્ડ માગ્યું જે પોલીસ બતાવ્યું હતું. આ વ્યક્તિઓ પાસે આઈડી કાર્ડ માગતા તેમણે વોરંટ વગર કઈ પણ બતાવવાની ના પડી હતી અને તેમણે જણાવ્યું હતું કે આપ ગુજરાતની ઓફિસ છે અને તેઓ આપના કર્મચારી છે. ત્યાર બાદ પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી. થોડી વાર પછી જ્યારે પોલીસ ફરીથી આ સ્થળે ગઈ ત્યારે ઓફિસ બંધ હતી અને ત્યાં કોઈ હજાર ન હતું.

આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શ્રેણીબદ્ધ ટ્વિટ કરવામાં આવી અને આક્ષેપો કરવામાં આવ્યા કે પોલીસ દ્વારા તેમના કાર્યાલય ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. નેતાઓની ટ્વિટ બાદ અમદાવાદ પોલીસના અધિકારીઓને પણ આશ્ચર્ય થયું હતું, કારણ તેમણે કોઈ પણ એજન્સીને આવા દરોડા કરવાની સૂચના આપી ન હતી. ત્યાર બાદ ઉપરી અધિકારીઓએ તપાસ શરૂ કરીને પોતાના તાબાના તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીને આ અંગે પૂછ્યું ત્યારે લગભગ વહેલી સવારે 4 વાગે જાણવા મળ્યું કે ઘટના શું હતી. આ કોઈ દરોડા ન હતા, પેટ્રોલિંગ દરમિયાન પોલીસને શંકા જતાં તેમણે માત્ર પૂછપરછ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ આ અંગે અધૂરી માહિતી સાથે ટ્વિટ કર્યું છે અથવા તો જાણી જોઈને પબ્લિસિટી માટે આવું કર્યું છે તે તો હવે આપના નેતાઓ જ જણાવી શકે, પણ એક વાત ચોક્કસ છે ભાજપ જે પ્રકારે રાજનીતિ કરે છે તેવી જ રાજનીતિ કરીને તેને જવાબ આપવા વાળા હવે ગુજરાતમાં પણ આવી ચૂક્યા છે.

- Advertisement -

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular