ક્રિપટોકરન્સી પર નિયમન નિયંત્રણ લાવવા આઈએમએફએ આગેવાની લેવી જોઈએ
શનિવારે માત્ર ૨૪ કલાકમાં બિટકોઇન ૧૦ ટકા ઊછળી ૨૧,૦૬૯ ડોલર થયો હતો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : ક્રિપટોકરન્સી પર નિયમન નિયંત્રણ લાવવા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)એ આગેવાની લેવી જોઈએ, નાણાપ્રધાન નિર્મલા સિતારામને ગત સપ્તાહે આઈએમએફના મુખ્યા ક્રિસલીન જ્યોર્જીવાને આ સૂચન કર્યું હતું. ક્રિપટો એસેટ્સના નિયમન નિયંત્રણ માટે હકારાત્મક અભિગમ સાથે સંગઠિત થવાની, આખા વિશ્વને જરૂર છે. ભારતીય રિઝર્વ બેન્કે તેના સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) કેન્દ્ર ખાતે સમયસર પાઈલોટ ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે, અને નવેમ્બર સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી તરતી મૂકે દેવાનું વિચારે છે.
વ્હાઈટ હાઉસે પણ અમેરિકામાં બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી સામે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. એનસ્યોરિંગ રિસ્પોન્સીબલ ડેવલપમેન્ટ ઓફ ડિજિટલ એસેટ્સ નામનો એક ખરડો આવ્યો, તેના પર પ્રમુખ જો બીડેને ૯ માર્ચે સહી કરી અને ક્રિપ્ટોકરન્સી સામે મુદ્દો આગની માફક ભડક્યો. ભારત સરકારે પણ વઝીરેક્સ જેવી ક્રિપ્ટો કંપની સામે લાલ આંખ કરી, તેથી કંપનીને દુબઈ અને સાયમન આઇલેન્ડમાં રજિસ્ટર કરાવવાની ફરજ પડી.
નિર્મલા સિતારામને હજુ થોડા સમય પહેલાજ ભારતીય રોકાણકારોને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા સામે ચેતવ્યા હતા. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર ટી રવિ શંકર કહે છે કે બે દેશો વચ્ચે થતાં વ્યવહારોમાં સમય અને સોદા ખર્ચ બંનેમાં ભારતનો સીબીડીસી પ્રોજેક્ટ ઉપયોગી ઠરશે. રિઝર્વ બેન્ક કહે છે કે ફીનટેક કંપનીઓ સામે આવતી સમસ્યાઓના સમાધાન માટે અમેરિકા સ્થિત એફઆઈએસ જે એડવાન્સ સોલ્યુશન અને ટેકનોલોજીમાં જગપ્રસિધ્ધ છે, તેની સાથે મળીને ચર્ચા સત્રો ચલાવી રહી છે. જગતની તમામ સીબીડીસીનું જોડાણ કરવા, સામાન્ય પણે માનવું છે કે રિપલ એકસઆરપી બ્રિજ કરન્સી બની શકે છે.
એફઆઈએસ સાથે રિઝર્વ બેન્કે ઘણી બધી બેઠકોનું આયોજન કર્યું હતું. એફઆઈએસના સિનિયર ડિરેક્ટર જુલી ડેમિડોવ કહે છે કે અમારી મુખ્ય ચિંતા જુદા જુદા સીબીડીસી વિકલ્પો સાથે રિઝર્વ બેંકને પ્રયોગાત્મક રીતે કેમ જોડવી તે છે. ભારત સરકારે ૧ જુલાઈથી ક્રિપ્ટો આવક પર ૩૦ ટકા ટેક્સ અને પ્રત્યેક રૂ. ૧૦,૦૦૦ (૧૨૫ ડોલર)ના ટ્રાન્ઝેક્શન પર ૧ ટકા ટીડીએસ વસુલવો શરૂ કરી દીધો છે. આગામી ૧૫-૧૬ નવેમ્બરે ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં જી-૨૦ની ૧૭મી બેઠક મળવાની છે, તેમાં રશિયા અને ચીન પણ હિસ્સેદાર બનશે.
૯ નવેમ્બર ૨૦૨૧ના બિટકોઇન ૬૬,૯૦૫ ડોલરની ઓલ ટાઈમ હાઇથી ૭૧ ટકા ઘટીને ૧૮ જૂને ૧૮,૯૮૬ ડોલરના તળિયે બેઠો હતો. ૨૦૨૨માં અત્યાર સુધીમાં ક્રિપ્ટોકરન્સીમાં કૂલ ૧૪.૨ અબજ ડોલરનું રોકાણ થયું છે. જે ૨૦૨૧માં કૂલ ૩૨.૧ અબજ ડોલર હતું. પણ જો ૨૦૧૯ અને ૨૦૨૦નું સંયુક્ત રોકાણ ગણીએ તો આ વર્ષે વધુ રોકાણ થયું છે.
૧૦ સપ્ટેમ્બરે કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ દાયકાઓની ઊંચાઈએથી સહેજ પાછો ફરતા, માત્ર ૨૪ કલાકમાં શનિવારે બિટકોઇન ૧૦ ટકા ઊછળી ૨૧,૦૬૯ ડોલર થયો હતો. સોમવારે ૨૨,૨૪૪ ડોલર ભાવથી ટ્રેડિંગ થતું હતું. ઓગસ્ટમાં બિટકોઇન ૧૪ ટકા તૂટયો હતો. પણ વર્તમાન વર્ષે તે ૫૮ ટકાનો ઘટાડો દાખવે છે. ઇથેરીયમ ઓગસ્ટમાં ૭ ટકા ઘટ્યો હતો, ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૫૯ ટકા ઘટ્યો છે.
(અસ્વીકાર સુચના: Commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૨-૯-૨૦૨૨








