વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચુંટણી માટે બુધવારે ઉમેદવારોનું ત્રીજું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે કેવડીયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવાનું નામ કર્યું હતું. ઉમેદવારની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પ્રફુલ્લ વસાવાનો નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉગ્ર રીતે વિરોધ કર્યો છે. રાજપીપળા સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા અને પોતાની નારાજગી દર્શાવી હતી. તમામ કાર્યકરોએ ગોપાલ ઇટાલિયા, અર્જુન રાઠવા અને ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવા હાય-હાયના નારા લગાવ્યા હતા. જો કે વિરોધ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા આપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલની સૂચક ગેરહાજરી પણ ઘણું બધું કહી જાય છે.
નાંદોદ વિધાનસભા સંગઠન મંત્રી વિજયસિંહ રાવલે જણાવ્યું હતું કે, “ડો. પ્રફુલ્લ વસાવા આયાતી ઉમેદવાર છે, અમે સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. જો ઉમેદવાર બદલવામાં નહિ આવે તો અમે સંગઠનનું કોઈ કામ કરીશું નહીં, કાર્યાલય પર તાળા મારી દઈશું અને રાજીનામા ધરી દઈશું. જ્યારે અન્ય કાર્યકર અર્જુન વસાવાએ જણાવ્યું હતું કે દિલ્હીથી સર્વે કરવા આવેલા આમ આદમી પાર્ટીના નેતા પૈસા લઈને જતાં રહ્યા છે, સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લીધા વગર પ્રદેશે ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી મહિલા મોરચા પ્રમુખ અરુણાબેન તડવીએ પણ વિરોધ નોંધાવી સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારોએ ગોપાલ ઇટાલિયાને રૂબરૂ મળી ઉમેદવાર બદલવાની પણ માંગ કરી છે, તો હવે એ જોવું રહ્યું કે પ્રદેશ સંગઠન શું નિર્ણય લે છે.
બીજી બાજુ ડો.પ્રફુલ્લ વસાવાએ કેવડીયા ખાતેથી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી પણ કરી દીધા છે. જેમણે ડો.પ્રફુલ્લ વસાવાનો વિરોધ કર્યો એવા મહિલા પ્રમુખ અરુણાબેન તડવીએ તો એમને હાર પેહરાવી સ્વાગત પણ કર્યું હતું. નર્મદા જીલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના કાર્યકરોએ નાંદોદ વિધાનસભા માટે નિરંજન વસાવાના નામ પર સહમતી દર્શાવી હોવાનુ પણ જાણવા મળ્યું છે, પરંતુ ડો. પ્રફુલ્લ વસાવાના નામની જાહેરાત બાદ ગ્રામ્ય વિસ્તારમાં સંગઠનની કામગીરીમાં કે ડો.પ્રફુલ્લ વસાવાના વિરોધના કાર્યક્રમમાં તેઓ કોઈ દેખાયા નથી. તો તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હશે કે પોતાની અલગ રણનિતી બનાવી રહ્યા હશે એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.








