Friday, April 24, 2026
HomeGujaratઅમેરિકામાં શિવજી અંગે આ ટિપ્પણી બાદ સોખડાના આનંદસાગરસ્વામીની ગુલાંટઃ કહ્યું- 'શિક્ષા તરીકે...

અમેરિકામાં શિવજી અંગે આ ટિપ્પણી બાદ સોખડાના આનંદસાગરસ્વામીની ગુલાંટઃ કહ્યું- ‘શિક્ષા તરીકે 7 દિવસ ઉપવાસ કરીશ’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ સોખડા મંદિર સતત વિવાદો વચ્ચે ઘેરાયેલું રહે છે. મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જુથના આનંદસાગરસ્વામીનું અમેરિકાનું પ્રવચન હાલમાં વાયરલ થયું છે. ભગવાન શિવ અંગે ટિપ્પણી કર્યા પછી તેમણે આ અંગે માફી માગી હતી અને શિવજીને દેવાધિદેવ કહ્યા હતા. તેમણે આ ઉપરાંત પોતે શિક્ષાના ભાગ રૂપે 7 દિવસના ઉપવાસ અને મૌન રાખશે તેવું કહ્યું હતું.

આનંદસાગરસ્વામીએ માફી માગી અને કહ્યું કે, દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્ય છે, પૂજનીય છે અને રહેશે. મેં એક યુવકની લાગણીને ભાવ આપવાનું કર્યું, જેમાં મારાથી જે કાંઈ ભુલ થઈ તે માટે હું સનાતન ભારતીય સંસ્કૃતિના સાધુ તરીકે, સાધક તરીકે તમામ શિવભક્તોની અને અન્ય ભક્તજનોની અંતઃકરણપૂર્વક ક્ષમા માગુ છું. માફી માગુ છું. પ્રબોધસ્વામીએ મને ખુબ કડક શબ્દોમાં કહ્યું છે. શિબિર દરમિયાન મને મૌન આપ્યું છે અને તે પછી સાત દિવસ ઉપવાસ આપ્યા છે. પ્રબોધસ્વામીએ તો મને શિક્ષા આપી જ છે પણ હું ફરી એક વખત તમામ ભક્તોની માફી માગુ છું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આનંદસાગરસ્વામીએ અમેરિકામાં એક પ્રવચન દરમિયાન કહ્યું કે, ધરતી પર એક દીકરો રહે, નિશિત તેનું નામ. પ્રબોધસ્વામી પોતાના રૂમમાં હતા ત્યારે નિશિતને બોલાવી કહ્યું કે જા એવીડીના મુખ્ય દરવાજે જા. બીજો કોઈ આદેશ સ્વામીનો હતો નહીં માટે નિશિતભાઈ જે મુખ્ય દરવાજે પહોંચ્યા ત્યાં તે ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશિતભાઈએ પ્રોપર વર્ણન કર્યું કે, આપણે જેવું ફિલ્મોમાં જોઈએ એવા જ શિવજી, જટા વાળા, નાગ-બાગ વીંટેલો, રુદ્રાક્ષ, ત્રિશૂળ હાથમાં બધી જ પ્રોપર્ટી સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાથના કરીને તેમને અંદર પધારવાનું આમંત્રણ આપ્યું. પ્રબોધસ્વામીના પણ તમને દર્શન થઈ જાય. શિવજીએ કહ્યું, પ્રબોધસ્વામીના હું દર્શન કરું તેવા મારા પુણ્ય જાગૃત થયા નથી, પણ મને તમારા દર્શન થઈ ગયા એટલું મારું અહોભાગ્ય. આટલું કહી શિવજી નિશિતભાઈના ચરણસ્પર્શ કરી જતા રહ્યા.

આ શબ્દો પોતાને સ્વામી અને સાધુ ગણાવતા આનંદસાગરના મોંઢેથી નીકળ્યા પછી તેમના પર ભારે ફીટકાર વરસાવાઈ. જોકે આ બાબતમાં લાગ્યું કે હવે પોતાનાથી સહુ નારાજ થયા છે અને તેના કારણે સ્વામીએ લોકોની લાગણી વધુ દુઃભાય તે પહેલા પોતે માફી માગી લીધી અને મૌન પણ ધારણ કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં એવા ઘણા સાધુ, બાવા, સ્વામી વગેરે થઈ ગયા છે જેમના બફાટને કારણે અવારનવાર તેમને અને તેમની બુદ્ધીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular