નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસ અગાઉ બનેલી લઠ્ઠાકાંડની ઘટનાના સંદર્ભે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા દારૂના વેચાણ અને હેરફેર ઉપર ચાંપતી નજર રખવાનું ચાલુ કર્યું છે અને દારૂના ધંધા ઉપર મોટા પ્રમાણમાં રોક લગાવવામાં આવી છે. તેમ છતાં દારૂ સિવાય પણ એવા ઘણા નશીલા પદાર્થો છે જેના કારણે ગુજરાતનું યુવાધન ખરાબ થઈ રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી સંખ્યામાં કફ સિરપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં દારૂની સાથે સાથે અન્ય પણ નશીલા પદાર્થોનું ચલણ મોટા પ્રમાણમાં છે. અમદાવાદ પોલીસ દ્વારા સતત આ નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન કરતાં વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આજે અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 450 જેટલી કફ સિરપ સાથે સાદીક નામના એક વ્યક્તિ ધરપકડ કરવામાં આવી છે. સાદીકની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતો જે હાલ ફરાર થઈ ગયો છે, પોલીસ તેને શોધવા માટે પ્રયત્નો કરી રહી છે.
અમદાવાદ SOGના DCP જયરાજસિંહ વાળાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, ‘અમદાવાદમાં કફ સિરપનો નશો કરતાં વ્યક્તિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આવા લોકોને રિટેઈલમાં કફ સિરપ વેચવાનું એક રેકેટ ચાલતું હતું. જેની તપાસમાં અમારી ટિમ દ્વારા સાદીક નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તેનો સાથી હાલ ભાગી ગયો છે. તેને પણ શોધીને તેની ધરપકડ કરવામાં આવશે. આ આરોપીની ધરપકડ કર્યા બાદ આ લોકો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં અમે તપાસ કરી રહ્યા છે.”








