નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઇને મહત્વની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સાતમા પગાર પંચ મેળવતા નવ લાખ કર્મચારીઓને અને પેન્શનરોને 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે. જેનાથી કુલ 9.38 લાખ લોકોને લાભ મળશે. 1 જાન્યુઆરી 2022થી મળવપાત્ર મોંઘવારી ભથ્થું સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.
પ્રથમ હપ્તો ઓગસ્ટ 2022, બીજો સપ્ટેબર 2022 અને ત્રીજો ઓક્ટોબરમાં પગાર સાથે આપવામાં આવશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વધારાના કારણે રાજ્ય સરકારને અંદાજીત વાર્ષિક 1400 કરોડનું નાણાકીય ભારણ વઘશે.








