નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ઓનલાઈન ગેમની લતના અનેક વખત કરુણ અંજામ આવ્યાના કિસ્સા પ્રકાશિતમાં આવ્યા છે. નાના ઉંમરના હોય કે મોટી ઓનલાઈન ગેમમાં એટલી હદે ભાન ભુલી બેસે છે કે ઘણી વખત હત્યાના બનાવ પણ સામે આવી જતા હોય છે. ત્યારે અમદાવાદમાં ઓનલાઈન પોકર રમવાની લતના કારણે એક ડોક્ટરને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે આટલા પૈસા ગુમાવ્યા બાદ પણ પોકરની લત ન છૂટતા પૈસા માટે પોતાના પિતાને જ ઠગવાનો પ્લાન બનાવ્યો હતો. અગાઉ પણ ડોક્ટરે પિતાને વાતોમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ આ વખતે તેની તરકીબનો ભાંડો ફુટી જતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે.
માહિતી અનુસાર, અમદાવાદના ઘોડાસર BRTS બસ સ્ટેન્ડની સામે આવેલા આઈસાઈડ વીઝન કેરની આંખની હોસ્પિટલ ધરાવતા ડો. સંકેત શાહ ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યો હતો. ત્યારે તેના નંબર પરથી તેના પિતાને સવારે 11 વાગે ફોન આવ્યો હતો. જેમાં સંકેત એકદમ ગભરાયેલી હાલતમાં હતો અને હલ્લો કહીંને ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ સંકેતના નંબરથી તેના પિતાને ફોન આવ્યો હતો. જેમાં સામે છેડેથી જણાવ્યું હતું કે “તુમ્હારા લડકા મેરે પાસ હૈ” આટલું કહીને ફોન કટ કરી નાખ્યો હતો. થોડીવાર બાદ પિતાને મેસેજ આવ્યો હતો કે તુમ્હારા બેટા મેરે કબ્જે મેં હૈ, તુમ્હે જીંદા ચાહીએ તો 15 લાખ દો બજે રેડી રખના મેં ફોન કરકે બતાઉગા પૈસા કહા લેકે આના હૈ ઔર તુમ્હારા બેટા કહા મિલેગા, ગલતી સે ભી પુલીસ કો બતાયા તો બેટા ક્યાં ઉસકી લાશ ભી નહીં મીલેગી.”
આ મેસેજ બાદ સંકેતનો ફોન બંધ થઈ ગયો હતો. પિતાએ તે નંબર મેસેજ કર્યો કે સંકેત સાથે વાત કરાવો, આટલા બધા પૈસાની વ્યવસ્થા કરવા માટે મને થોડો સમય આપો તેમ જણાવ્યું હતું. જેના વળતા જવાબમાં મેસેજ આવ્યો હતો કે, જ્યાદા સે જ્યાદા તીન બજે તક કા સમય હૈ મેં લોકેશન બતાઉગા, અગર પૈસેકી વ્યવસ્થા નહીં હુઈ તો કોલ મેસેજ નહીં આયેગા ઔર બેટા ભી. ત્યાર બાદ પિતાએ 10 લાખની વ્યવસ્થા થઈ ગઈ હોવાનું કહેતા 4 વાગે સાયન્સસીટીના ગેટ પાસ આવવાનું જણાવ્યું હતું અને બાદમાં તેના નંબર પરથી કોઈ ફોન કે મેસેજ આવ્યો ન હતો અને ફોન બંધ થઈ ગયો હતો. જેથી સમગ્ર બાબતે સંકેતના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
અમદાવાદમાં અપહરણની ફરિયાદ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકમાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એચ.વી.સીસારા અને પોલીસ સબ ઈનસ્પેક્ટર પી.બી.ચૌધરીની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી અપહરણ થયેલા ડો.સંકેત શાહને સી.ટી.એમ ચાર રસ્તા નજીકથી શોઘી કાઢ્યો હતો. પોલીસે સંકેતની પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેને પૈસાની જરૂર હોવાના કારણએ જાતે જ પોતાના કિડનેપીંગ થયું હોવાનો મેસેજ કરીને પૈસા મેળવવાનું કાવતરું ઘડ્યું હતું. સંકેત સવારે હોસ્પિટલ જવાનું કહીં નીકળ્યો હતો. સંકેતે અલગ અલગ જગ્યા પર જઈને પોતાના ફોનથી તેના પિતાને અપહરણ થયા હોવાનું જણાવી 15 લાખની માગણી કરી હતી. અગાઉ પણ પોકર ગેમમાં લાખો રૂપિયા હારી જતા સંકેતે દાણીલીમડામાં અકસ્માત થયો છે અને સામેવાળા મામલો પતાવવા માટે 12 લાખ માગતા હોવાની ખોટી માહિતી જણાવીને પિતા પાસેથી 12 લાખ ખંખેરી લીધા હતા. જોકે તે પૈસા પણ પોકાર ગેમમાં હારી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડો.સંકેતની પુછપરછ કરીને તેને ખોખરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.








