નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોના હેરફેર માટે તસ્કરો દરિયાઈ માર્ગની પસંદગી વધુ કરે છે. ગુજરાત દરિયાકાંઠાની દૃષ્ટિએ અન્ય રાજ્યો કરતાં વધારે સમૃદ્ધ છે કારણ કે ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે, જેના કારણે આ માર્ગે ઘુસણખોરી કરવી કે પછી ગેરકાયદેસર વસ્તુની તસ્કરી કરવી એકંદરે સરળ બની જાય છે. તેના કારણે જ ગુજરાતમાં કોસ્ટ ગાર્ડનું કામ વધારે મહત્વનું થઈ જાય છે. વારંવાર ગુજરાતનાં દરિયાઈ માર્ગે આવતા માદક પદાર્થોને પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા રોકવામાં આવે છે, તેમ છતાં આજે ગુજરાતનાં મહત્વના ગણાતા સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે નશીલા પદાર્થના પેકેટ મળી આવ્યા હતા.
સોમનાથ જિલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવતાં તમામ સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. જેના કારણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથના વડોદરા ડોડીયા ગામથી લઈને ઉનાના નવાબંદર સુધીના 70 કિમીના દરીયાકાંઠે SOG અને કોસ્ટ ગાર્ડ સહિતની પોલીસની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ મામલે સર્ચ ઓપરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ પોલીસ વિગતો જાહેર કરશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે જાણકારી આપતા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી જણાવ્યુ હતું કે, “જિલ્લાના દરીયાકાંઠેથી નશીલા પદાર્થો મળી આવ્યા છે. જેના આધારે હાલ ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ડોડીયા ગામથી લઈને સોમનાથ, સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના નવાબંદર સુધીના દરીયાકાંઠાના વિસ્તારોમાં SOG, મરીન પોલીસ સહિતની એજન્સીસની ટીમ સર્ચ ઓપરેશન કરી રહી છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ વિગતો જાહેર કરવામાં આવશે.”








