પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા પર જતાં અમદાવાદ પોલીસ કમિશનરનો હવાલો સિનિયર IGP અજય ચૌધરીને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસના અધિકારીઓના વોટ્સ એપના ગ્રૂપમાં અજય ચૌધરીએ જે સૂચના મૂકી તેનાથી તમામ પોલીસ અધિકારીઓને આશ્ચર્ય થયું છે. કારણ પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને સિનિયર IPSને સૂચના આપવામાં આવી છે કે, મેસેજ ચેટિંગ માટે ખાનગી એપ ડાઉનલોડ કરવી.
અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કમિશનર સુધીના અધિકારીનું એક વોટ્સ એપ ગ્રૂપ છે. જેમાં સિનિયર અધિકારીઓ પોતાના તાબાના અધિકારીઓને જરૂરી સૂચના આપતા હોય છે, સોમવારના રોજ અજય ચૌધરી પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતા અધિકારીઓને સૂચના આપી હતી કે, તેઓ અમદાવાદમાં કોઈ પણ પ્રકારના દારૂની પ્રવૃતિ ચલાવવા માગતા નથી.
અજય ચૌધરીની આ સૂચનાનો અર્થ અધિકારીઓએ એવો કર્યો કે તો શું સંજય શ્રીવાસ્તવ આ પ્રકારની પ્રવૃતિઓ ચલાવવા માગતા હતા? મંગળવારના રોજ અમદાવાદ પોલીસના વોટ્સ એપ ગ્રૂપમાં અજય ચૌધરીએ લખ્યું કે, તમામ પોલીસ અધિકારીઓ સર્કલ મેસેન્જર એપ ડાઉનલોડ કરવી. ઇન્ચાર્જ પોલીસ કમિશનરના આ આદેશથી તમામ પોલીસ અધિકારીને આશ્ચર્ય એટલા માટે થયું કે સર્કલ મેસેન્જર એપ એ ખાનગી એપ છે. આ એપ ડાઉનલોડ કરતાં અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈ સિનિયર અધિકારી સુધીની માહિતી ખાનગી હાથોમાં પહોંચી જશે. આ એપ પર થયેલી ચેટ ગોપનીય રહેશે નહીં. સર્કલ મેસેન્જર એપ હમણાં સુધી માત્ર એક હજાર લોકોએ જ ડાઉનલોડ કરી છે, પરંતુ કયા હેતુથી અજય ચૌધરીએ આ ખાનગી એપ ડાઉન લોડ કરવાનો આદેશ પોતાના અધિકારીને આપ્યો તેનો જવાબ તેઓ જ આપી શકે છે. એક તરફ સરકાર અને સાયબર પોલીસ લોકોને તેમની સલામતી માટે ખાનગી એપ સલામત નથી તેવી ડાઉનલોડ ન કરવાની સૂચના આપે છે. જ્યારે બીજી તરફ અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓને ખાનગી એપ ડાઉનલોડ કરવા કહ્યું છે.








