Sunday, April 19, 2026
HomeGeneralસુરત: બસમાંથી ઝડપેલા દારૂથી PSIની દાનત બગડી, ટ્રાવેલ્સના માલિકને ગુનામાં ફસાવાની ધમકી...

સુરત: બસમાંથી ઝડપેલા દારૂથી PSIની દાનત બગડી, ટ્રાવેલ્સના માલિકને ગુનામાં ફસાવાની ધમકી આપી 5 લાખ માગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં ગઇકાલે માહિતીના આધારે રાજસ્થાનથી આવતી ખાનગી બસમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. દારૂની હેરાફેરી કરવા માટે બસમાં એક ખાસ પ્રકારનું ચોર ખાનું પણ બનાવાવમાં આવ્યું હતું. બસમાંથી સુરતના પુણા પોલીસે 4,82,400ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બોટાદના લઠ્ઠાકાંડની ઘટના બાદ જાણે પોલીસ દારૂ અંગે બાજ નજર રાખીને બેઠી હોય તે પ્રકારે કામ કરી રહી છે પરંતુ સુરતના પુણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ ટ્રાવેલ્સનો ધંધો કરનારાનું નામ ફરિયાદમાં આવતું હોવાનું જણાવીને લાખો રૂપિયાની માગણી કરી હતી.

ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો ધંધો કરનાર ફરિયાદીની પુણા પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસમાં દારૂ મળી આવતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેથી પુણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદિપસિંહ હસમુખસિંહ રાજપુતે ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી દારુના કેસમાં તેમનું નામ આવે છે તેમ કહીને ધમકાવ્યો હતો અને ટ્રાવેલ્સના માલિકનું નામ આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ટ્રાવેલ્સના માલીકનું નામ આપતા PSIએ દારૂના કેસમાં ટ્રાવેલ્સના માલિકનું નામ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસે ૫,૦૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે છેલ્લે ૩,૦૦,૦૦૦ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા.

- Advertisement -

ફરિયાદીએ ટ્રાવેલ્સના માલિકને આ અંગે વાત કરતા ટ્રાવેલ્સના માલિકે ૧,૭૦,૦૦૦ રૂપિયા ફરિયાદીને મોકલાવ્યા હતા. જે રૂપિયા ૧,૭૦,૦૦૦ ગઇકાલના રોજ જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇ, (ખાનગી વ્યક્તિ)ના કહેવાથી PSI વતી સ્વીકાર્યા હતા. ત્યારબાદ ખાનગી વ્યક્તિએ બાકીના ૧,૩૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માગતાં ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકામાં ૧,૩૦,૦૦૦ની લાંચની રકમ PSIના કહેવાથી આરોપી ખાનગી વ્યક્તિએ સ્વીકારતા ઝડપાઇ ગયા છે. એસીબીએ આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular