ઈકરામ એમ મલેક (નવજીવન ન્યૂઝ. નર્મદા): હજી બે દિવસ અગાઉ જ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી 103 વર્ષ જૂની જનરલ સિવિલ હોસ્પિટલને સ્થળાંતર કરીને વડીયા પેલેસ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજના નવા બિલ્ડિંગમાં લઈ જવામાં આવી હોવાના સમાચાર તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યા હતા અને હવેથી જનરલ હોસ્પિટલને GMERS સાથે એટેચ કરી દેવાઈ હોવાથી આ હોસ્પિટલ “મેડિકલ કોલેજ સંલગ્ન GMERS હોસ્પિટલ તરીકે ઓળખાશે અને ત્યાં દર્દીઓને અધ્યતન સુવિધાઓ મળશે એવી જાહેરાત જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આજે મેડિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા GMERS હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતુ. આધારભૂત સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી હતી કે હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ આવી રહ્યા છે અને એડમિટ થાય છે, એવું ચિત્ર ઉપસાવવા રાજપીપળા નજીક આવેલી સરકારી સ્કૂલ ઓફ નર્સિંગ જીતનગરની 29 જેટલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પેશન્ટ બનાવી હોસ્પિટલના 4 અલગ-અલગ વોર્ડમાં સુવડાવી દેવામાં આવ્યા હોવાનું ઘટસ્ફોટ થયો છે.
પત્રકાર દ્વારા GMERS હોસ્પિટલમાં સત્યતાની તપાસ કરવા જતા હોસ્પિટલના ત્રીજા માળે 2F મહિલા સર્જીકલ વોર્ડમાં એક સરખી વયની 11 જેટલી યુવતીઓ હોસ્પિટલના બેડ ઉપર સુતેલી જોવા મળી હતી. તેઓને પૂછતાં તેમણે પોતાની ઓળખ જીતનગર સરકારી નર્સિંગની વિદ્યાર્થિની તરીકે આપી હતી, તેઓને પૂછ્યું કે શા માટે દાખલ થયા છો? તો તેમના તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
તેમને પૂછવામાં આવ્યું કે હાથ ઉપર પટ્ટીઓ શેની લગાવી છે? તો તેમણે મૌન ધારણ કરી લીધું હતું. ફરજ પરની વોર્ડ નર્સને બોલાવી પટ્ટી કાઢી બતાવવા કહેતા માત્ર શોભાની પટ્ટી હોવાનું અને કોઈ વેઈન સોય ન હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
એ જ રીતે 2F 96 નં રૂમ ENT વોર્ડમાં પણ એક સરખી વયની 10 જેટલી યુવતીઓ દર્દીના બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું, તેમને પૂછતાં તેમણે પણ તેઓ જીતનગર નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ હોવાનું જણાવ્યું હતું. એ જ રીતે 2F 85 નંબરના પુરુષ સર્જીકલ વોર્ડમાં 3 જેટલા યુવાનો દર્દીના બેડ ઉપર સુતેલા જણાયા હતા, એ પૈકી એક ને બોટલ ચડી રહ્યું હતું તેમને પૂછતાં તેમણે પણ પોતે જીતનગર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કબુલ્યું હતું. એ જ રીતે ઓર્થોપેડિક વોર્ડમા પણ 5 જેટલી એક સરખી વયની યુવતીઓ બેડ ઉપર સુતેલી હોવાનું જણાયું હતું એમણે પણ પોતે જીતનગર નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થિનીઓ હોવાનું જણાવ્યું હતું.
આમ 2003માં આવેલી ફિલ્મ મુન્નાભાઈ MBBS માં પણ આજ રીતે ફિલ્મનો હીરો પોતાના પિતાના ડોકટર બનવાના સ્વપ્નને પૂરું કરવા આખી નકલી હોસ્પિટલ, ઇમારત નકલી, નકલી ડોકટર અને નકલી દર્દીઓથી ભરેલો નકલી જનરલ હોસ્પિટલનો વોર્ડ બનાવે છે. અહીંયા પણ કઈંક આવુ જ દ્રશ્ય ખડું કરવામાં આવ્યું હતું, ફરક એટલો છે કે અહીંયા હોસ્પિટલ અને ડોક્ટર સાચાં છે પણ દર્દીઓ નકલી છે, તેમને આપાતી દવા એક ઢોંગ છે તેવું સામે આવ્યું હતું.
હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આવું કેમ કરવું પડ્યું? અને આના પાછળ કોનું ભેજું કામ કરી રહ્યું છે? તો આ સવાલોના જવાબ મેળવવા માટે જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જ્યોતિ ગુપ્તાનો રૂબરૂ વારંવાર સંપર્ક કરાયો હોવા છતાં તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને જીતનગર સરકારી નર્સિંગ સ્કૂલના મહિલા પ્રિન્સિપાલનો ફોન દ્વારા સંપર્ક કરાતા તેમને પણ ફોન ઉઠાવ્યો નથી. ત્યારે આ મામલે કોઈ તપાસ થશે? અને આ તરકટ મામલે કોણ જવાબદાર? જો “મુન્ના ભાઈ MBBS સ્ટાઈલથી નર્મદા જિલ્લાની જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ચલાવવામાં આવશે? તો દર્દીઓનું શું થશે?
આ રીતે ભાંડો ફુટ્યો
ડમી દર્દીના હાથ ઉપર માત્ર દેખાવ પૂરતી પટ્ટી મારી હાથ મા બોટલ ચઢાવવા માટેની વેઈન હોવાનું તરકટ રચાયું, પટ્ટી ખોલાવતા ભાંડો ફૂટ્યો, હોસ્પિટલ સુપ્રિટેનડેન્ટ જ્યોતિ ગુપ્તાની ભૂમિકા ઇન્સ્પેકશન અધિકારીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ હતો કે કેમ એ શંકા ઉપજાવનારો પ્રશ્ન છે.








