નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં દારુ બંધીના લીરેલીરા ઉડી ગયા છે. બોટાદનો લઠાકાંડ માત્ર ગુજરાતમાં જ નહીં દેશ-દુનિયામાં ગુંજી ઉઠ્યો છે ત્યારે સરકારે તાત્કાલીક પગલા લેવાની જરૂર પડી છે. જ્યાં ગુજરાતમાં ઠેરઠેર દેશી દારુના ભઠ્ઠા જોવા મળે છે ત્યાં હવે જ્યારે 29 જેટલા લોકોના મોત નિપજ્યા છે ત્યારે પોલીસ તપાસમાં મુખ્ય આરોપી ગણાતો જયેશ પણ ઝડપાઈ ગયો છે. આ ઘટનામાં 13 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારે તપાસ કમિટિની પણ રચના કરી છે જેમાં ત્રણ અધિકારીઓનો સમાવેશ કર્યો છે.
રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે, બોટાદ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે 13 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. 10ની અટકાયત કરી લેવામાં આવી છે. દારુ બનાવવા વપરાયેલા કેમિકલનો એફએસએલ રિપોર્ટ માગવામાં આવ્યો છે. કેમિકલ સપ્લાય અને ડિસ્ટ્રીબ્યૂશન સહિતની બાબતો પર તપાસ કરાઈ છે. દરમિયાનમાં બરવાળામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા યાસ્મીબાનુ જડગીલા, હોમગાર્ડ પ્રકાશ કુમાર અને હિતેન કુમાર હપ્તા લેતા હોવાનો ઓડિયો વાયરલ થયો જે પછી મહિલા એએસઆઈની બદલી કરી દેવાઈ હતી.
ઝેરી દારુમાં વપરાયેલો મિથેનોલ જયેશ નામના શખ્સ પાસેથી સંજય નામના વ્યક્તિએ દારુમાં મીલાવ્યો હતો. 600 લીટર જેટલો મિથેનોલ બોટાદના બુટલેગર સંજયને આપવામાં આવ્યો હતો. જયેશે પોલીસને કબુલાત આપી હતી. દરમિયાન મુખ્યપ્રધાને ગૃહવિભાગને તાત્કાલીક રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે. ગુજરાત સરકારે આ કેસની તપાસમાં તપાસ કમિટિની રચના કરી છે તપાસ કમિટિમાં, સુભાષ ત્રિવેદી, એમ એ ગાંધી, એચ પી સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુભાષ ત્રીવેદી આઈપીએસ અધિકારી છે, એમ એ ગાંધી આઈએએસ અધિકારી છે. ઉપરાંત એચ પી સંઘવી ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના ડાયરેક્ટર છે. પોલીસની પ્રારંભીક તપાસમાં 40 હજારમાં કેમિકલ જયેશે સંજયને વેચ્યું હોવાનું સામે આવ્યું છે.








