નવજીવન ન્યૂઝ.પાટણઃ એક ઘટના પાટણમાં બની છે જેમાં એક શખ્સે શાળાએ જતી દીકરી પર છરીના ઘા કરી લીધા છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે આ શખ્સ દીકરી પર જબરજદસ્તી કરવા લાગ્યો હતો, તેણે બુમો પાડી તો તેના પર છરી જેવા તીક્ષણ હથિયારથી ફરી વળ્યો. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે તેમની ફરિયાદ આધારે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
પાટણના સરસ્વતી તાલુકા ખાતેના એક ગામની વિદ્યાર્થિની કોઈટા ગામે શાળાએ જતી હતી ત્યારે ગામના જ એક શખ્સે તેના પર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. વિદ્યાર્થિની આ ઘટનામાં ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
વિદ્યાર્થિનીના પરિવારજનોનું કહેવું છે કે, આ શખ્સ દીકરી સ્કૂલ જતી હતી ત્યારે જબરદસ્તી કરવા લાગ્યો હતો. તે ગભરાઈ ગઈ અને ભાગવા લાગી, પણ આ શખ્સે તેને પકડી અને પેટમાં લાત મારી, બુમો પાડી તો છરીના ઘા માર્યા. જ્યારે અમારા માસીને ખબર પડી અને તેઓ ત્યાં પહોંચ્યા તો આરોપી ભાગી ગયો. તેણે દીકરીને પીઠના ભાગે ઘા માર્યા હતા. આ શખ્સનું નામ જીવણ ઉર્ફે જેટિયો લાડજી ઠાકોર છે. અમે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.








