નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છાશવારે વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે સુરતમાં એક BRTS બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં આગ એટલી પ્રસરી ગઈ હતી કે આખી બસ બળીને ખાખ થઈ છે. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ સામે આવી નથી.
માહિતી અનુસાર, સુરતમાં આજે સવારે BRTSની બસ સરથાણા બસ સ્ટોપ પાસે ઉભેલી હતી તે દરમિયાન એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસમાં કુલ 10 મુસાફરો સવાર હતા જો કે મુસાફરોને ધુમાડાની ગંધ આવી જતાં સમયસર બસમાંથી નીચે ઉતારી ગયા હતા જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
બસમાં આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને બસ પર પાણીનો મારો ચલાવ્યો હતો. સરથાણા બસ સ્ટોપ પર આગળ એક બસ ઊભી હોવાથી આ બસ તેની પાછળ ઊભી હતી, આ દરમિયાન બસની આગળના એન્જિનના ભાગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જો કે આ આગએ આખી બસને લપેટમાં લઈ લીધી હતી. કાપોદ્રા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર વિનોદ રોજીવાડીયાએ જણાવ્યુ હતું કે, સરથાણા બસ સ્ટોપ પાસે ઉભેલી બસમાં આગ લાગવાનો કોલ મળતાની સાથે જ ગણતરીની મિનિટમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.








