નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં પણ હવે યુવાનો સોશિયલ મીડિયમાં પ્રખ્યાત થવા માટે જીવને જોખમમાં મૂકીને વીડિયો બનાવતા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ આમદવાદની એક યુવતી બાઇક ઉપર સ્ટંટ કરતી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે થોડા દિવસ અગાઉ રાજકોટમાં કેટલાક યુવાનો જીપ લઈને ન્યારી ડેમમાં સ્ટંટ કરતાં હોય તેવો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં પોલીસે યુવકની ધરપકડ પણ કરી હતી, ત્યાર બાદ હવે રાજકોટના એક કલાકારનો વીડિયો વાયરલ થયો છે, જેમાં યુવક ઓપન જીપના બોનેટ પર સ્ટંટ કરતો હતો.
આ ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ કથિત રીતે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જે યુવક દેખાય છે તે સૌરાષ્ટ્રના એક યુવાન કલાકાર છે. જીપના બોનેટ પર સ્ટંટના આ વિડીયામાં ડાયલોગ પણ લખેલો છે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામની રીલ્સ પર મુકવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રાફિકના તમામ નિયમોનું ઉલંઘન કરીને આ યુવાન કલાકાર જીપના બોનેટ પર બેઠો છે. હાલ યુવાનોની આવી રીતે સ્ટંટ કરવાની ઘેલછા અટકાવવી પોલીસ માટે જરૂરી અને પડકાર રૂપ સાબિત થઈ રહી છે.
આજના ડિજિટલ યુગમાં યુવાનો પણ ડિજિટલ થવા જ જોઈએ, પરંતુ જીવને જોખમમાં મૂકવાની ઘેલછા જીવલેણ સાબિત થઈ શકે તે પણ આ યુવાનોએ સમજવું પડશે. યુવાનો આવા સ્ટંટ કરી પોતાના જીવ જોખમમાં મુકવા સાથે પોતાના નામને પોલીસ ચોપડે ચઢાવવા તરફ જાણ્યે અજાણ્યે આગળ વધી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં પણ જોખમી સ્ટંટ જોઈ શકાય છે, વોઈસઓવર સાથેના આ વીડિયોમાં ‘ભાયુ’ અને લખાણ પણ લખેલું જોવા મળી રહ્યું છે.
યુવાનો વિરૂધ્ધ પોલીસ પણ કાર્યવાહી કરતી હોય છે છતાં અન્ય યુવાનો બોધપાઠ લઈ અટકતા નથી. ત્યારે મહત્વની વાત છે કે પોલીસે યુવાનોની આવી ઘેલછા બાબતે પણ વિચાર-વિમર્શ કરી તોડ શોધવો પડશે. અન્યથા જોખમી સ્ટંટનો આ સિલસિલો અટકાવવો ખુબ મુશ્કેલી ભર્યો જણાય છે અને યુવાનો મોતના ખપ્પરમાં કે પોલીસના ચોપડે તેમજ ગુનાખોરીના રવાડે ચઢતા થશે.








