નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2020માં આમદવાદથી કેવડીયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા માટે તેવું પણ કહેવામા આવે છે કે આ પ્રોજેકટ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક પ્રોજેકટ છે. તેમ છતાં જે ગતિએ અમદાવાદમા આ પોરજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો તેના કરતાં વધુ ઝડપે અમદાવાદમાં સી-પ્લેન સેવા ઉપર તાળાં લાગી ગયા છે. આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા રમકડાના સી-પ્લેન ઉડાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદનાં આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન નજીક રિવરફ્રન્ટ ઉપર આજે NSUI દ્વારા સી-પ્લેન સેવા પુનઃ શરૂ ન થતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, “શહેરમાં વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાય છે. શહેરમાં ખાડા અને રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે, છતાં સરકારે જનતાના ટેક્ષના પૈસામાંથી સી-પ્લેન સેવા શરૂ કરી જે ફ્લોપ ગઈ છે જેથી અમે આજે નકલી પ્લેન ઉડાવી વિરોધ કરી રહ્યા છીએ.”
થોડા સમય અગાઉ ગુજરાતનાં ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી કે અમદાવાદમા સી-પ્લેન સેવા ફરીથી શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જૂન માહિનામાં આ સેવા પુનઃ શરૂ થઈ જશે. ત્યારે હવે જુલાઇ મહિનો પણ પૂરો થવા આવ્યો તેમ છતાં સી-પ્લેન સેવા શરૂ ન થતાં NSUI દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.








