નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા ચીરિપાલ ગ્રુપની ઓફિસ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મંગળવાર રાતથી જ દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ આ ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગઇકાલ રાતથી અમદાવાદમા 35થી 40 જગ્યાએ IT દ્વારા દરોડા પાડવામાં અવાયા છે. અમદાવાદમાં ચીરિપાલ સહિત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઈટીની તપાસ શરૂ થઈ છે. આશરે 150 અધિકારી દરોડાની કામગીરીમાં જોડાયા છે.
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આંબલી રોડ ઉપર આવેલી ચીરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચીરિપાલ અને બ્રિજમોહન ચીરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ચીરિપાલ ગ્રુપની કંપની ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ અગાઉ પણ ચીરિપાલ ગ્રુપ ઉપર IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
થોડા મહિના અગાઉ અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતા સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગોડાઉન માલિક સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી અન્ય આરોપીઓ સાથે મળીને અમદાવાદની કેટલીક ફેક્ટરી અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા.
અમદાવાદમા છેલ્લા ઘણા સમયથી IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેના કારણે અમદાવાદનાં બિઝનેસ મેન અને વ્યાપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. અત્યારે અમદાવાદમા ચીરિપાલ ગ્રુપ ઉપરાંત નંદન ડેનિમ અને વિશાલ ડેનિમની કંપની ઉપર પણ IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.








