નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીથી દારૂ જુગારનો ધંધો કરતાં લોકોમાં ફફળાટ ફેલાયો છે કે ક્યાક તેમને પણ જેલની હવા ખાવાનો વારો ન આવી જાય. ઉપરાંત રાજ્યમાં દારૂ જુગાર સિવાય ગોરખ ધંધા પર પણ સ્ટેટ મોનીટરીંગ સેલ ચાપતી નજર રાખી રહી છે. ત્યારે આજે રાજકોટ હાઇવે પરથી સ્ટેટ મોનીટરીંગની ટીમે ગેસ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલા રાજકોટ-જામનગર હાઇવે રોડ પાસે રંગપર ગામના પાટિયા નજીક નવોદય વિદ્યાલયની પાછળના ભાગે ગેસ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કરતાં સ્થળ પરથી એક ગેસનું ટેન્કરમાંથી ગેસ ચોરી કરવામાં આવી રહી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં સામે આવ્યું છે કે, ગેસ ચોરીના કૌભાંડમાં મુખ્ય આરોપી દિનેશ ખાંભરા રહે. રાજકોટ અને તેના મળતીયા રાત્રિના સમયે હાઇવે પરથી પસાર થતાં ગેસના ટેન્કરના ટ્રાઇવરનો પોતાના માણસો જોડે સંપર્ક કરાવીને ટ્રાઇવરને ટેન્કર સાથે પોતાની જગ્યા પર લઈ જઈને ટેન્કરમાંથી ગેસની ચોરી કરતાં હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પર હાજર આરોપીને પકડી પાડી 7 વ્યક્તિ સામે રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત એક ગેસ ટેન્કર અને 24 સિલિન્ડરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.








