નવજીવન ન્યૂઝ. ઉના: ગુજરાતમાં હવે બાળકીઓ પણ સુરક્ષિત રહી નથી તેવી ઘટના ઉનામાં સામે આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બાળકીઓને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ થવાની ઘટના વધતી જઈ રહી છે. ઉનામાં શાળાએ જતી 12 વર્ષની બાળકીને 40 વર્ષના નરાધમે પીંખી નાખી હતી. જો કે પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો હતો.
ઉનામાં ઓલવાણ ગામમાં એક બાળકી શાળાએ જવા માટે બસની રાહ જોતી હતી તે દરમિયાન એક વ્યક્તિ તેને શાળાએ મૂકી જવાનું કહીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. બાળકી ધો.૮માં ભણતી હતી જેની ઉંમર ૧૨ વર્ષની હતી. નરાધમે બાળકીને બાઇક પર બેસાડીને વાંસોજ ગામની ધાર્મિક જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ.
નરાધમે બાળકી પર દુષ્કર્મ આચાર્યા બાદ બાળકીને આ અંગેની વાત કોઈ ન કહેવાની જણાવીને મારી નાખવાની ઘમકી આપી હતી. દુષ્કર્મ આચાર્યા બાદ નરાધમ નાસી ગયો હતો. સ્થાનિક લોકોએ બાળકીને પૂછતા સાચી હકીકત જણાવતા બાળકીના માતાએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરનાર કાના ઉર્ફે બટર લાખાભાઈ સોલંકી ઉ.૪૦ રહે પાલડી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં હજાર કરીને પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા જેમાં 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.








