નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: સીબીઆઈએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CGM (Chief General Manager) અને પ્રાદેશિક અધિકારી દિગ્વિજય મિશ્રાની ગાંધીનગરમાંથી રૂ. 10 લાખની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હતી. મિશ્રા ખાનગી કંપની જીએચવી ઈન્ડિયાના કર્મચારી પાસેથી લાંચ લેતા હતા. આ લાંચના બદલામાં મિશ્રાએ 109 કિલોમીટરના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં કંપનીની તરફેણ કરવાના હતા. સીબીઆઈએ બાદમાં મિશ્રાના પરિસરમાં દરોડા પાડીને 22 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી હતી.
ભ્રષ્ટાચારની ફરિયાદ પર સીબીઆઈએ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું છે કે મિશ્રા કંપનીને બીલની પતાવટ કરવામાં, અને આપવામાં તેમજ પૂર્ણતા પ્રમાણપત્ર પ્રદાન કરવામાં મદદ કરી રહ્યા હતા. આ ઉપરાંત, તે પ્રોજેક્ટના પેકેજ 1 અને પેકેજ 2 અને સમય મર્યાદાના વિસ્તરણને લગતી અન્ય બાબતોમાં પણ કંપનીની તરફેણ કરી રહ્યાં હતા. લાંચના વ્યવહારની પુષ્ટિ થયા પછી, સીબીઆઈની ટીમ સ્થળ પર પહોંચી અને દિગ્વિજય મિશ્રાને ટીપી સિંહ પાસેથી લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા. સીબીઆઈએ સિંહને પણ કસ્ટડીમાં લીધા હતા.
મિશ્રાની ધરપકડ બાદ સીબીઆઈએ ગાંધીનગર, અમદાવાદ, પુણે, દિલ્હી અને ચંદીગઢમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 22 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. ગયા વર્ષની શરૂઆતમાં સીબીઆઈએ NHAI અધિકારી અકીલ અહેમદની 20 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી હતી.








