નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનું રાજકારણ પણ ગરમ થતું હોય તેમ લાગે છે. દરેક રાજકીય પક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોતાનો પક્ષ વધુ બેઠકો સાથે જીત મેળવે તે માટે અલગ અલગ કાર્યક્રમો કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ગુજરાત યુવા કોંગ્રેસના ટ્વિટર પરથી એક ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરી ભાજપ પર ખેડૂતો સાથે છેતરપિંડી કરતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વીડિયો સ્વરૂપે ઓડિયો રેકોર્ડિંગમાં ભાજપના ગાંધીનગર કાર્યાલયથી ખેડૂતને ફોન કરી સહાય યોજના અને ભાજપને મત આપવા અપીલ કરવામાં આવતી હોય તેમ જણાય છે. હાલ આ સંવાદ ગુજરાતના ખેડૂતોમાં વાયરલ થતા વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આજે તારીખ 15 જૂલાઈના રોજ બપોરના 3:40 વાગ્યે ગુજરાત યુવા કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. (નવજીવન ન્યૂઝ આ વીડિયોની ખરાઈ કે સમર્થન કરતું નથી.) જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, “આવ્યા પાછા સહાયના નામે ખેડૂતોને છેતરવા, GSTમાં વધારો કરીને ખેડૂતોના ખિસ્સા વેતરવા.” સાથે જ એક ઓડિયો રેકોર્ડિંગ પણ વીડિયો સ્વરૂપે પોસ્ટ કરવામાં આવ્યું છે.
જેમાં જિગ્નેશ નામનો કોઈ વ્યક્તિ જણાવે છે કે તે ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલયથી વાત કરી રહ્યો છે. જિગ્નેશ દ્વારા ખેડૂત હિતેષભાઈને પુછવામાં આવ્યું કે તમને કિસાન સમ્માન નિધિ હેઠળ ખેડૂતને રૂપિયા 6000 હજારનો લાભ મળે છે કે નહીં. ખેડૂતે તેમના સવાલનો જવાબ હા માં આપતા જિગ્નેશ જણાવે છે કે, મોદીજીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃધ્ધી વધી રહી છે. અહિંથી જ ખેડૂત હિતેષભાઈનો મગજ છટક્યો હોય તેમ જવાબ આપવાનું શુરૂ થાય છે.
રેકોર્ડિંગ વિડિયોમાં સાંભળી શકાય છે તેમ, અમને યુરીયા અને DAP 900 વાળા 1500 રૂપિયામાં પડે છે. રૂપિયા 6000 આપીને 16 હજાર રૂપિયા લઈ જાય છે. ફરી વખત જીજ્ઞેશે કેટલા ખેડૂતોને લાભ મળ્યો તેમ કહેતા 61 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે તેમ કહ્યું હતું, પરંતુ ખેડૂતે કહ્યું કે યોજનાનો લાભ 61 લાખને મળ્યો છે પણ નુકશાની 91 લાખ ખેડૂતોને જાય છે અને રૂપિયા 6000નું આવે શું?
જીજ્ઞેશે ખેડૂતને કહ્યું કે, ભાજપને મત આપજો ત્યારે ખેડૂતે ખરી ખોટી સંભળાવી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ખુદ મોદી આવે તો પણ ભાજપને મત નહીં આપીએ કોઈ સારો ઉમેદવાર નહીં હોય તો નોટાને આપશું, પણ હવે ભાજપને નહીં મત મળે. આમ ખેડૂતના સંવાદને વીડિયો સ્વરૂપે પ્રસિધ્ધ કરી ગુજરાત યુવા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરી ખેડૂત મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોય તેમ લોકોનું માનવું છે.








