પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ખાખી વર્દીધારી પાસે જે સામન્ય લોકોની અપેક્ષા છે તેના કરતાં કઈક જુદું બને ત્યારે તે તરત સમાચાર બની જાય છે. પોલીસ અથવા પોલીસની વાન જોતાં સામન્ય માણસને સલામતીનો અહેસાસ થવો જોઈએ એના બદલે ડર લાગે છે. કદાચ તે આપણી પોલીસની નબળી બાજુ છે, પરંતુ હવે એવી અનેક ઘટનાઓ ઘટી રહી છે જેમાં તમને ખાખી ઉપર માન થાય તેવું કામ અમદાવાદ અને ગુજરાત પોલીસ કરી રહી છે. શુક્રવારના રોજ અમદાવાદમાં ત્રણ કલાકમાં જ 9 ઇંચ વરસાદ વરસી ગયો અને શહેર જળબંબાકાર બન્યું ત્યારે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજાએ રસ્તા પર ઉતરી જે કામ કર્યું તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.
જુનાગઢના DySP પ્રદીપસિંહ જાડેજા હોય કે કચ્છના રણમાં માતાના દર્શન કરવા આવેલી વૃદ્ધાને પીઢ પર બેસાડી દર્શન કરાવનાર મહિલા કોન્સટેબલ હોય આવી ઘટનાની જ્યારે તસવીર સામે આવે ત્યારે મનને ટાઢક થાય છે. શુક્રવારે જ્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, શહેરના રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા, અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા તે વખતે શાહીબાગના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી જાડેજા આ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી તેવું પોતાને સમજાવી પોલીસ સ્ટેશનની ચેમ્બરમાં બેસી શક્યા હોત, પણ તેમની અંદર રહેલા સારા માણસે તેમને રસ્તા પર આવવાની ફરજ પાડી અને પોતાના સ્ટાફ સાથે તેઓ ઘુંટણસમા પાણીમાં આવ્યા અને લોકોને બહાર કાઢવામાં મદદ રૂપ થયા. આ વખતે એક સ્કૂલ વાન પાણીમાં બંધ થઈ ગઈ હતી, જેમાં નાના બાળકો હતા. જાડેજા અને તેમના સ્ટાફે ખુદ સ્કૂલવાનને ધક્કા મારી બહાર કાઢી.
પાણીની વચ્ચે વાહન બંધ પડી જાય ખુદ વાહન ચાલક પણ લાચાર બની જાય છે. ખાસ કરીને જ્યારે ફોર વ્હીલર હોય ત્યારે મુશ્કેલીનો પાર રહેતો નથી. શાહીબાગના અનેક રસ્તા પર બંધ પડેલા વાહનના કારણે ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. આ વખતે એક દર્દીને લઈ જઇ રહેલી એમ્બુલન્સ રસ્તો ખૂલો કરાવવા સાઇરન મારી રહી હતી, પરંતુ બંધ પડેલા વાહનોના કારણે એમ્બુલન્સ અટવાઈ ગઈ હતી. ઇન્સ્પેક્ટર જાડેજાએ એમ્બુલન્સને રસ્તો મળી રહે તે માટે બંધ પડેલા વાહનોને ધક્કો મારી એમ્બુલન્સને રસ્તો કરી આપ્યો હતો. આ એક ઘટના નથી ગુજરાતમાં ઠેર ઠેર જગ્યા પર લોકોને બચાવવા માટે કામ કર્યું છે તે કાબિલે દાદ માગે તેવું છે. આ વખતે બસ એક જ શબ્દ પોલીસ માટે છે. થેંક્યું પોલીસ તું અમારી મદદએ આવ્યો છે. જુઓ વીડિયો.








