નવજીવન ન્યૂઝ. જામનગર: ગુજરાતમાં ચોમાસુ જામી ચૂક્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં નદીઓ નવા પાણીથી ભરાઈ ગઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હોવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઘણી જગ્યાએ અનિચ્છનિય ઘટનાઓના પણ વીડિયો સામે આવ્યા છે. જામનગરનો પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સ્કૂલ બસ પાણીમાં ખાબકી ગઈ હતી.
જામનગરમાં નાના વાડાળા ગામમાં એક સ્કૂલ બસ બાળકો અને શિક્ષકોને લઈને જઈ રહી હતી તે દરમિયાન વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકો અને શિક્ષકોને બચાવવા માટે કામગીરી શરૂ કરી હતી.
આ ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ ગામમાં આવેલા પેટ્રોલ પંપની નજીકના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે, જેના કારણે સ્કૂલ બસ વરસતા વરસાદે ખાડાઓમાંથી પસાર કરવા જતા સ્કૂલ બસ પાણીના વહેણમાં પલટી મારી ગઈ હતી અને વહેણના કારણે નદીમાં પહોંચી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક પ્રશાસનને જાણ કરી હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બાળકો અને શિક્ષકોને તાત્કાલિક બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.








