૧૯૯૮ની સાલ હતી. હું કચ્છના અંતરિયાળ ગામોમાં ફરતો. ફોટોગ્રાફીનો આનંદ લેતા લેતા એક પ્રકારની અગમ્ય બેહોશી પણ માણતો. ગામડાના લોકોનો છડતો-અછડતો પરિચય મારામાં પ્રાણ પુરતો. ખાવડા પાસે આવેલા છેવાડાના એક ગામ ‘લુડીયા’માં પ્રવેશ્યો ત્યારે ‘સારાબાઈ’ને નમસ્તે કહ્યું. એમણે મોં ફેરવી લીધેલું. એ પછી વર્ષો વિતતા ગયા. હું એમના દીકરાનો ખાસ દોસ્ત બની ગયો. ‘દેશલ’ નામ હતું એનું. લાકડાના નકશીકામનો ફક્કડ કારીગર. હું એની પાસે શીખતો. સારાબાઇએ ધીરે ધીરે મને બોલાવાનું શરુ કર્યું. ‘રોટલો જમીસ?’ હું કહું હા બા. એટલે થોડું હસી મૂકે. હું વાર્તાનું એક પાત્ર હોઉં એ રીતે આ ગામનો એક ભાગ બનવા માંડેલો. પાછો આવું ત્યારે જાણે આખું ગામ ધુમ્મસમાં વીંટીને અમદાવાદ આવતો. ધીમે ધીમે ગામ મારી અંદર વસી ગયું. ને જ્યારે કોઈ પણ સંબંધ તમારી અંદર વસી જાય પછી ઠેઠ લાકડે જાય. બસ, સંબંધની અદા મારફાડ હોવી જોઈએ.
આ ગામ મને હંમેશા વાર્તામાં આવતા મોસાળના વર્ણન જેવું લાગ્યું છે. જ્યાં મેં દેશલ તથા સવાભાઈ જેવા મિત્રો જોડે ધીંગામસ્તી કરી છે; તો એ બંનેના મૃત્યુના સમાચારે મને અંદરથી ખોતરી પણ ખાધો છે. દેશલનું મૃત્યુ ભુજથી ખાવડાના રસ્તે મોટરસાયકલ ને ટ્રેક્ટરના અથડાવાથી થયું. ૨૦૦૬માં હું બે દિવસ પછી પહોંચ્યો ત્યારે સહુ ભેટીને રડ્યા. મા દૂર ઉભેલી. હું પહોંચ્યો ત્યારે ધ્રુજતો હતો. ને એણે મારી હથેળીમાં ચુંબન કર્યું ને મને ભેટીને જે ધ્રુસકે ધ્રુસકે રડી એવું રુદન મેં આજ સુધી નથી જોયું. હૈયાફાટ રુદન શબ્દ સાંભળેલો પણ એ દિવસે ખબર પડી આ શબ્દનો અર્થ. ને એ એટલું જ બોલીં, ‘તું જ મારો દેશલ છે…તું જ… ને મારા ગાલ પર ને કપાળે પ્રેમથી ચુંબન કરીને કીધું ‘મારી ચિતાને તું જ અગ્નિદાહ આપજે…’ કોઈ ફૂટપટ્ટી મારી આ સમયની માનસિક સ્થિતિને માપી શકે એમ નહોતી. પછી મારો કચ્છ જવાનો સિલસિલો ચાલુ રહ્યો પણ ફોટોગ્રાફી માટે નઈ પણ માને મળવા માટે… સારાબાઈ… મારી મા… આજે હું જાઉં ત્યારે મારા ઓવારણા લે છે… કપાળ ને હથેળી પર ચુંબન કરે છે… રોટલા ને ખીચડી જમાડે છે ને હું પાછો જવા ગાડીમાં બેસું ત્યારે પૂછે છે કે “ક્યારે આવીશ પાછો?” ને એ ગામ તરફ ને હું શહેર તરફ મોઢું ફેરવીને આંસુ લુછી લઈએ છીએ… મારી મા સાથે ફોટો હું પડાવી ન શક્યો એનો અફસોસ હતો. પણ, હવે નથી. દોસ્ત મિતુલે પાડેલો ફોટો મને રોજ જોવાની ટેવ પડી ગઈ છે.