નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સામે આવી રહેલા કેસમાં વધારે કેસ અમદાવાદના છે. ત્યારે અમદાવાદમાં પરિસ્થિતિ વણસે તે પહેલા તંત્ર સતર્ક થયું છે. આજથી અમદાવાદમાં ગાઈડલાઈનના પાલન કરાવવા જાહેર સ્થળો, મોલ, મલ્ટીપ્લેક્સ પર AMCની ટીમ ચેકિંગ કરશે.
અમદાવાદમાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ લોકો હવે કોરોનાના ગાઈડ લાઇનનું પાલન કરવાનું ભૂલી રહ્યા છે. અનેક લોકો જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સ્થિતિ કાબૂની બહાર ન જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર ચેકિંગ શરૂ કરશે. AMCનું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કોરોના ગાઈડ લાઇન્સનું અમલ કરાવવા ચેકિંગ હાથ ધરશે. ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. જેથી આજથી માસ્ક નહીં પહેરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
AMCના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન આજથી કરવામાં આવશે. જેના માટે અલગ અલગ ટીમ દ્વારા જાહેર સ્થળો પર ગાઈડ લાઇન્સનું ચેકિંગ કરવામાં આવશે. લોકોને અપીલ કે માસ્ક પહેરે અને ગાઈડલાઈનનું પાલન કરે. અમદાવાદ રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જરૂર પડશે તો આગામી દિવસોમાં વિવિધ સ્થળો પર ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સરકારી આંકડા મુજબ 140 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 81, વડોદરા 21, સુરત 13, ગાંધીનગર 5, મહેસાણા 4, કચ્છ 3, રાજકોટ અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદમાં 436 છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











