Thursday, October 29, 2026
HomeGeneralઅમદાવાદઃ પત્નીએ જ પતિની હત્યા માટે 4 લાખમાં સોપારી આપી પણ પોલીસ...

અમદાવાદઃ પત્નીએ જ પતિની હત્યા માટે 4 લાખમાં સોપારી આપી પણ પોલીસ આ રીતે પહોંચી હત્યારા સુધી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): દરેક ગુનેગાર માનતો હોય છે કે પોલીસ તેના સુધી ક્યારેય પહોંચી શકશે નહીં પણ ગુનેગારની ચાલાકી ક્યાંક તો ભુલ કરે જ છે અને તે ભુલ શોધી પોલીસ ગુનેગાર સુધી પહોંચી જાય છે. આવી જ ઘટના અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી સીએન સ્કૂલની બહાર રિક્ષા લઈ ઊભા રહેલા ડ્રાઈવરને કોઈ છરો મારી તેની હત્યા કરી નાખી હતી. આ મામલે એલિસ બ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પણ ગુનેગારનો કોઈ પત્તો લાગી રહ્યો ન્હોતો, આ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ ડીસીપી ઝોન-7 બી યુ જાડેજાએ પોતાના તાબાની લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક્ટીવ કરતા એલસીબીએ ખુદ રિક્ષા ડ્રાઈવરની પત્નીએ જ સોપારી આપી હોવાનું શોધી કાઢી હત્યાને અંજામ આપનાર પાંચ આરોપીઓને શોધી કાઢયા હતા.




તા 7મી જુનના રોજ એક મુસાફરને લઈ રિક્ષા ડ્રાઈવર શાંતિલાલ ધંધુકીયા ઈસનપુરથી સીએન વિદ્યાલય આવ્યા હતા જ્યાં મુસાફર લેબેરોટરીમાં તપાસ માટે ગયો તે દરમિયાન કોઈ અજાણ્યા માણસે રિક્ષા ડ્રાઈવર શાંતિલાલ ધંધુકીયાને છરો મારી દેતા તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે એલિસ બ્રિજ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે એલિસ બ્રિજ પોલીસની તપાસમાં કોઈ નક્કર કડી હાથ લાગી ન્હોતી. આથી ડીસીપી બી યુ જાડેજાએ પોતાના તાબાની એલસીબીના પીએસઆઈ જે બી પરમારને જરૂરી સૂચના આપી ઈન્વેસ્ટીગેશન કરવાનું કહેતા એલસીબીની ટીમ દ્વારા બનાવના સ્થળની આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. જો કે ત્યાંથી કોઈ પણ શંકાસ્પદ વ્યકિત નજરે પડી ન્હોતી, પરંતુ શાંતિલાલની રિક્ષા પાછળ એક રિક્ષા આવી અને થોડીવારે ત્યાંથી નીકળી ગઈ તેવું નજરે પડતું હતું.

- Advertisement -

પોલીસે આ રિક્ષામાં જ શંકાસ્પદ હશે તેવું માની તેને ટ્રેક કરતા રિક્ષા ઉપર કોઈ નંબર પ્લેટ ન્હોતી. આથી પોલીસે ઈસનપુરથી શાંતિલાલે મુસાફરી શરૂ કરી તે ટ્રેકને તપાસ્યો તો તેમની રિક્ષાની પાછળ સતત એક નંબર પ્લેટ વગરની એક રિક્ષા નજરે પડતી હતી. આ રિક્ષા ઈસનપુરથી સીએન સુધી આવે છે, જો કે રિક્ષામાં બેઠેલી વ્યકિતના કોઈના ચહેરા દેખાતા ન્હોતા, એલસીબી ટીમે ફરી મહેનત કરી ઈસનપુરની આસપાસના સીસીટીવી ચેક કરતા એક સ્થળે નંબર પ્લેટ વગરની રિક્ષા નજરે પડી અને ફુટેઝમાં રિક્ષા ડ્રાઈવર રિક્ષાના વીન્ડ સ્ક્રીન ઉપર લાગેલુ કોઈ સ્ટીકર હટાવી રહ્યો હતો જેમાં તેને ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. આ ફુટેઝને આધાર બનાવી પોલીસે આસપાસમાં પોતાના બાતમીદારને એકટીવ કરતા એક મહત્વની માહિતી પોલીસને હાથ લાગી હતી.




આ માહિતીને આધારે એક પછી એક આરોપી સામે આવવા લાગ્યા હતા જેમાં મૃત ડ્રાઈવરની પત્ની રૂપલ ધંધુકીયાના નામનો પણ સમાવેશ થયો હતો. આખી ઘટના બહાર આવી તે પ્રમાણે રિક્ષા ડ્રાઈવર શાંતિલાલ ધંધુકીયાને પત્ની રૂપલ સાથે તેમના લગ્નને વીસ વર્ષ થઈ ગયા હતા, પણ શાંતિલાલ પોતાની પત્ની માનસીક અને જાતીય ત્રાસ આપી રહ્યો હતો. જ્યારે રૂપલનો એમ્બ્રોડરીનો વ્યવસાય છે તે બજારમાંથી આ અંગેનું કામ લાવી પોતાને ત્યાં એકસો કરતા વધુ મહિલાઓ પાસે જોબવર્ક કરાવે છે. પોતાના પતિના ત્રાસ અંગે એક વખત રૂપલે દાણીલીમડાના વેપારી ફયઝુઉદ્દીન શેખને વાત કરી હતી અને તે પોતાના પતિથી કંટાળી ગઈ છે જો કોઈ તેની હત્યા કરવા તૈયાર હોય તો પૈસા આપશે. ફયઝુની દુકાન ઉપર શાબીર અંસારી પણ બેસતો હતો તેણે કહ્યું આ પ્રકારનું કામ કરનારો માણસ શકીલ અંસારી છે.

- Advertisement -

આથી તેઓ શકીલ અંસારીને મળ્યા હતા. શકીલ અંસારીએ આ કામ માટે ચાર લાખની માગણી કરી હત્યા આપવાનું કહ્યું હતું. શકીલે શાંતિલાલની હત્યા માટે ઈમ્તીયાઝ, શાહરુખ અને અલ્તમસને કામ સોપ્યું હતું. આ કામ પેટે શકીલે એક લાખ આપવાનું કહ્યુ હતું. રૂપલ ધંધુકીયાએ ચાર લાખની સોપારી આપી તે પૈકી બે લાખ એડવાન્સ આપી દીધા હતા. જેમાંથી શકીલે આ ત્રણ હત્યારાઓને 45 હજારનું પેમેન્ટ આપ્યું હતું. શાંતિલાલ ક્યારે ઘરની બહાર નીકળે છે? ક્યાં જાય છે? વગેરે માહિતી ખુદ રૂપલ હત્યારોઓને ફોન દ્વારા આપતી હતી. જોકે આ હત્યારાઓ કુલ દસ વખત હત્યાનો પ્રયાસ કર્યો પણ તેમને સફળતા મળી ન્હોતી. એક વખત તો શાંતિલાલ સુરત ગયા હતા ત્યાં પણ પહોંચ્યા પણ કામ થયું ન્હોતું. આખરે સીએન સ્કૂલ બહાર તક મળતા તેમણે શાંતિલાલની હત્યા કરી હતી. આ મામલે પોલીસે રુપલ સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અગાઉ પણ જેલની સજા કાપી આવ્યા છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular