દેવલ જાદવ નવજીવન: સાબરમતી નદી અમદાવાદીઓ માટે હવે માત્ર શાંતિથી હવા ખાવાનું સ્થળ નથી, બલકે અહીંયા બહારના પ્રવાસીઓ પણ હરવા-ફરવા આવે છે. નદીનું થયેલું બ્યૂટીફીકેશન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. પણ છેલ્લા કેટલાંક વખતથી નદીના બ્યૂટીફીકેશન પર લિલ અને સેવાળની લીલી ચાદર જામી ચૂકી છે. સુભાષબ્રિજથી માંડિને છેક ડફનાળા સુધી જામેલી લિલ એટલી હદ સુધી પ્રસરી છે કે તેમાં પાણીને જોવાનું અશક્ય બનાવી દીધું છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને તાકીદે પગલાં લેવાનું કહીને આડે હાથ લીધા છે.
દેશભરમાં રિવરફ્રન્ટનું પહેલવહેલું નોંધપાત્ર કામ સાબરમતી નદી પર થયું છે. એક સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી રહેલાં નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રહેલો રિવરફ્રન્ટ ખાસ્સા વિવાદ બાદ આકાર પામ્યો. અને આજે તેનો ઠીકઠીક લાભ શહેરીજનો લઈ રહ્યા છે. યંગસ્ટર્સની પણ તે પસંદીદા જગ્યા બની ચૂકી છે. પરંતુ પ્રદૂષણના કારણે હવે રિવરફ્રન્ટનો આખો એક પટ્ટામાં ગંદકી પ્રસરી ચૂકી છે. આ ગંદકીને દૂર કરવાની ગુજરાત હાઇકોર્ટે ટકોર કર્યા બાદ તેની સફાઈનું કામ કોર્પોરેશન દ્વારા શરૂ કર્યું છે. પણ નદીમાં સફાઈ માટે લાવેલું મશીન અત્યારે ઉપયોગમાં લઈ શકાતું નથી. આ મશીન વધુ પાણી હોય ત્યારે જ તેમાં ચાલીને ગંદકી સાફ કરી શકે છે. છીછરાં પાણીમાં તે કામ આવતું નથી. એટલે હવે પૂરી સફાઈ મેન્યૂઅલ રીતે થઈ રહી છે. પહેલાં પૂરી વ્યવસ્થાને મશીન પર આધારીત કરી દેવામાં આવે અને જ્યારે તેનાથી કામ લેવાનું આવે ત્યારે તે કામ ન આપે.
શહેરમાં અત્યારે ડેન્ગ્યૂ અને મલેરીયાના દરદીઓ ખૂબ વધ્યા છે અને નદીના પ્રદૂષણના કારણે તેની આસપાસના લોકોમાં આ બીમારી વધુ વકરે તેવી શક્યતા છે. ગુજરાત હાઇકોર્ટે પણ કોર્પોરેશનને ટકોર કરી છે કે આવી ગંદકી ન થાય તે માટે તાકીદના પગલાં લો અને જે ઔદ્યોગિક એકમોથી નદીમાં ગંદકી ઠલવાય છે તેના પર એક્શન લો. સાબરમતી નદીનું બ્યૂટીફીકેશનમાં જે કામ થયું છે તેનું ગૌરવ સરકાર વારેતહેવારે લે છે. આ પ્રોજેક્ટને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. પરંતુ ગૌરવગાથાની વાર્તાઓ ઘડાય છે, કહાનીઓ કહેવામાં આવે છે ત્યારે વર્તમાનમાં નજરે ચઢતું નુકસાન ભૂલાવવું ન જોઈએ. પર્યાવરણવાદીઓના મતે રિવરફ્રન્ટથી નદીને કાયમી નુકસાન થયું છે અને આ નુકસાન અત્યારે સુભાષબ્રિજથી ડફનાળા વચ્ચે જોઈ શકાય છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









