નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજથી IPL ની મેચ શરૂ થઈ રહી છે. અમદાવાદમાં IPLની બે મેચ રમાવવાની છે. જેમાં ફાઇનલનો પણ સમાવેશ થાય છે. ત્યારે આજે સવારથી સોશિયલ મીડિયામાં મેચ શરૂ થતાં પહેલા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેદાનની બહાર પોસ્ટર વોર શરૂ થયો છે. ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતા કોંગ્રેસના પોસ્ટરમાં સ્ટેડિયમનું જૂનું નામ લખતા વિવાદ સર્જાયો હતો. અંતે AMCની એસ્ટેટ શાખાએ સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં લાગેલા સમગ્ર પોસ્ટરને દૂર કર્યા હતા.
સ્ટેડિયમની બહાર કોંગ્રેસના લગાવેલાં પોસ્ટરમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સુખરામ રાઠવાના ફોટા પોસ્ટરમાં રાખવામાં આવ્યો હતો. હાલ અમદાવાદમાં સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ છે. ઉપરાંત IPL સંચાલકો દ્વારા પણ સ્ટેડિયમના નામમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા લગાવેલા પોસ્ટરમાં સરદાર પટેલ સ્ટેડિયમનો ઉલ્લેખ કરવામાં આવતા વિવાદનો મધપૂડો છેડાયો હતો.
પોસ્ટર અંગે વિવાદ થતાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સ્ટેડિયમની આસપાસના રોડ પર લગાવેલા બેનર ઉતારી લેવા માટેનો આદેશ એસ્ટેટ વિભાગને આપવામાં આવ્યો હતો. જેના પગલે સ્ટેડિયમની સામે જ લગાવવામાં આવેલું બેનર ઉતારી લેવામાં આવ્યું હતું. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં લગાવેલા ગુજરાત કોંગ્રેસના આ બેનરોને હટાવી લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ સ્ટેડિયમનું રિનોવેશન થયા બાદ સ્ટેડિયમને નવું નામ આપવામાં આવ્યું હતું. સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું હતું. તે દરમિયાન સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું.








