Sunday, November 2, 2025
HomeGujaratAhmedabadતે રાતે ગોપાલને ખુબ બીક લાગી, ઠંડો પવન હતો બધા કેદીઓએ સફેદ...

તે રાતે ગોપાલને ખુબ બીક લાગી, ઠંડો પવન હતો બધા કેદીઓએ સફેદ ચાદર માથા સુધી ઓઢી હતી

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-41): Nadaan Series : ગોપાલને જેલનાં કપડાં પહેરાવી દેવામાં આવ્યાં હતાં. ગોપાલ થોડી થોડી વારે પોતાના સફેદ કપડાં અને માથા ઉપરની પીળી ટોપીને જોઈ રહ્યો હતો. એને આ સફેદ કપડાં જરા પણ ગમતાં નહોતાં. એને લાગી રહ્યું હતું કે, તેને ‘કફન’ પહેરવા માટે આપ્યું છે. એણે પાલનપુર જેલમાં પણ કેદીઓના માથે ટોપી જોઈ હતી, પણ તેને ટોપી કેમ આપવામાં આવે છે? અને તેના રંગો અલગ અલગ કેમ હોય છે? આ પ્રશ્નો તેને ત્યારથી જ હતા. જેના જવાબ તેને આજે પહેલી વખત મળ્યા હતા.

ગોપાલ અને સલીમની ટોપીનો કલર પીળો હતો. જેલના નિયમ પ્રમાણે, જે કેદીને પાંચ વર્ષથી વધુ સજા થઈ હોય એમને પીળી ટોપી પહેરવાની હોય. કેટલાક કેદીઓ ઘરનાં પેન્ટ–શર્ટમાં જ હતા, પણ તેમના માથે સફેદ ટોપી હતી. સલીમે એને સમજાવ્યું કે, “જેમણે ઘરનાં કપડાં પહેર્યાં છે અને માથે સફેદ ટોપી છે; તેમને ‘આસન સજા’ થઈ છે. એટલે કે સાદી કેદ. અને જેમણે સફેદ કપડાં અને સફેદ ટોપી પહેરી છે, તેમની સજા પાંચ વર્ષ કરતાં ઓછી છે.”

- Advertisement -


ગોપાલે જોયું તો, જેલમાં ચાર–પાંચ કેદીઓએ લાલ કલરની ટોપી પણ પહેરી હતી. તેને બહુ આશ્ચર્ય થયું. લાલ કલરની ટોપીનો અર્થ એવો હતો કે, એ કેદીએ ભૂતકાળમાં પોલીસને ચકમો આપીને પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો હોય. એવા કેદીને લાલ ટોપી આપવામાં આવે છે. જેથી આટલા બધા કેદીઓની વચ્ચે લાલ ટોપીવાળા કેદી પર પોલીસની સતત નજર રહે અને તે ફરી ભાગવાનો પ્રયત્ન ન કરે.

- Advertisement -

જે સિનિયર કેદી હતા, તેમની ટોપી વચ્ચે વાદળી પટ્ટી હતી અને તેમાં ‘વૉચમેન’ લખેલું હતું. અમદાવાદ સાબરમતી જેલમાં આવ્યા પછી ગોપાલને સમજાયું કે, જેલનો 70 ટકા વહિવટ તો પાકા કામના કેદીઓ જ કરે છે. તેની ઇચ્છા પણ ક્યાંક ટેબલ–ખુરશીનું કામ મળી જાય તેવી હતી. તેને સફાઈના કામમાં કોઈ રસ નહોતો અને કામ પણ મહેનત–મજૂરીનું હતું.

સાંજે બાબલા બેરેકમાં બંધી થયા પછી મોટા ભાગના કેદીઓએ જમી લીધું અને તરત ઉંઘવા માટે પોતાના બિસ્તર પર પણ જતા રહ્યા. આટલી મોટી જેલમાં સફાઈનું કામ કંઈ નાનુ નહોતું. સવાર સાંજ જેલની સફાઈ કરતી બાબલા ગેંગના કેદીઓ એટલા થાકી જતા કે, તેમને પોતાની સાથે વાત કરવાનો પણ સમય નહોતો. તેઓ પડતાંની સાથે જ સૂઈ જતા.

સલીમને પણ કોઈ ફેર પડતો નહોતો. તે પણ જમ્યા પછી પડતાની સાથે જ સૂઈ ગયો હતો. ગોપાલના મનમાં હજુ ઘમાસાણ ચાલી રહ્યું હતું. તેને સજા થશે એવી તેણે કલ્પના પણ કરી નહોતી. એને પહેલો આઘાત તો સજા થઈ એનો હતો અને હવે દસ વર્ષ જેલમાં કેવી રીતે પસાર થશે! તેની કલ્પના જ એને ડરાવી રહી હતી.

- Advertisement -

દસ વાગ્યા સુધીમાં તો આખી બાબલા બેરેક શાંત થઈ ગઈ હતી. ટીવી જોનારા કેદીએ પણ ટીવી બંધ કરી દીધું હતું. ગોપાલને લાગી રહ્યું હતું, જાણે આખી બેરેકમાં એ એકલો જ છે! તેણે સતત બકબક કરતા પોતાના મગજને બંધ થવાની સૂચના આપી. પણ એમ કંઈ મગજ બંધ થતું હશે? એનું મન ક્યારેક મમ્મીનો, તો ક્યારેક નિશીનો વિચાર લઈ આવતું. ગોપાલે પરાણે ઊંઘવાનો નિર્ણય કર્યો. તે બિસ્તરમાં આડો પડ્યો. પાકા કામના કેદીઓની બેરેક પાલનપુર જેલ કરતા સાફસુથરી હતી. પાથરવાનો ધાબળો અને ઓઢવાની સફેદ ચાદર પણ સાફ હતી. ગોપાલે આંખો બંધ કરી અને વિચાર કરતો કરતો એ સૂઈ ગયો.

શિયાળાનો સમય હતો. જેમ રાત આગળ વધતી તેમ ઠંડીની તાકાત પણ વધી રહી હતી. અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલી સાબરમતી જેલની બેરેકની ત્રણ તરફ જાડી દીવાલો અને આગળના ભાગની દીવાલમાં જાડા સળિયાવાળી મોટી બારીઓ હતી. બેરેકની બહાર રહેલો સિપાહી બેરેક ખોલ્યા વગર એક એક કેદીને જોઈ શકે તેવી બેરેકની રચના હતી. ઠંડી તો વધી, સાથે પવન પણ સુસવાટા બોલાવી રહ્યો હતો. સાબરમતી જેલમાં રહેલા વિશાળ લીમડા અને ઊંચા આસોપાલવ પવન સાથે વાતો કરી રહ્યા હોય, તેવો ભાસ થતો હતો. ઝાડ સાથે અથળાઈ રહેલા પવનનો અવાજ રાતે ખૂબ ડરામણો લાગતો હતો. આ જ અવાજને કારણે ગોપાલની આંખ એકદમ ખુલી ગઈ.

પહેલાં તો એણે બિસ્તરમાં રહીને માત્ર આંખ ખોલી. અવાજ શેનો આવી રહ્યો છે? તે સમજવાનો પ્રયત્ન કર્યો. અવાજ પવન અને વૃક્ષોનો છે, તે સમજતા તેને વાર લાગી નહીં. સાથે જ તેણે ઠંડીનો ચમકારો પણ અનુભવ્યો. તેણે પડખું ફેરવી બાકીના કેદીઓ તરફ જોયું. તેને ફાળ પડી. બધા જ કેદીઓએ ઠંડીથી બચવા માટે ચાદર ઓઢી હતી. તેમને જેલ દ્વારા આપવામાં આવેલી સફેદ ચાદર માથા સુધી ઓઢીને તેઓ સૂતા હતા. એક ક્ષણ તો એ ડરી જ ગયો. તેને લાગ્યું કે, તે સ્મશાનમાં આવી ગયો છે! બધા જ કેદીઓએ સફેદ ચાદર ઓઢી હોવાને કારણે તેને લાગી રહ્યું હતું કે, મૃતદેહોને કતારમાં ગોઠવી દેવામાં આવ્યા છે.

કડકડતી ઠંડી હોવા છતાં તેને એકદમ પરસેવો છૂટી ગયો. તેણે બાજુમાં સૂઈ રહેલા સલીમ સામે જોયું. સલીમ પણ માથા સુધી ઓઢીને સૂઈ ગયો હતો. ગોપાલને એકદમ ડર લાગ્યો. તે તરત બિસ્તર પર લાંબો થઈ ગયો અને તેણે પણ માથા સુધી ચાદર ઓઢી લીધી. તે મનમાં હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. તે રાતે એ બાબલા બેરેકમાં સૂઈ જ ન શક્યો. રાતે જ તેને વિચાર આવ્યો કે, સવારે ઊઠી તે લીગલ સેલમાં જઈને અરજી કરશે અને જેલપ્રશાસન  પાસે રજાની માગણી કરશે.

જેલમાં રહ્યા પછી ગોપાલને જેલના કેટલાક નિયમોની તો ખબર પડવા લાગી હતી. સવારે જ્યારે સલીમે જોયું કે, ગોપાલની આંખો લાલ છે. ત્યારે તેણે પૂછ્યું, “કેમ? રાતે સૂતો નહોતો?”

ગોપાલે પહેલાં તો જવાબ ના આપ્યો. પછી સલીમ સામે છણકો કરતાં કહ્યું, “તને ક્યાં કંઈ ફેર પડે છે? તું તો પડતાંની સાથે કુંભકર્ણની જેમ સૂઈ જાય છે.”

સલીમે પૂછ્યું, “કુંભકર્ણ?”

ગોપાલ હસી પડ્યો. “મિયાં તમારામાં કુંભકર્ણ ન હોય એટલે તને ખબર નહીં હોય. પણ કુંભકર્ણ અમારો કોપી રાઈટ છે.”

ગોપાલને આ રીતે મઝાક કરતો અને હસતો જોઈ સલીમને સારું લાગ્યું. સવારની ચા આવી. થોડીવાર પછી લાલ બાફેલા ચણા નાસ્તામાં આવ્યા. પાલનપુર જેલ કરતાં સાબરમતી જેલની વ્યવસ્થા વધારે સારી હોય એવું ગોપાલને લાગી રહ્યું હતું. પાલનપુર જેલ તો ખોબા જેવડી હતી અહીંયા તો જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જેલ જ દેખાતી હતી.

સવારના નવ વાગ્યા. જમવાનું પણ આવી ગયું. બધા કેદીઓએ થાળીમાં જમવાનું લઈ લીધું કેટલાક કેદીઓ તો તરત જમવા પણ બેસી ગયા. ગોપાલ એ બધાને જોઈ રહ્યો હતો. કેટલાક કેદીઓને જોઈ તેને લાગતું હતું કે, તેઓ વર્ષોથી ભુખ્યા હોય એ રીતે જમી રહ્યા છે. ત્યાં બંધી અમલદાર આવ્યો. તેણે બધાની સામે જોતાં કહ્યું, “ચાલો.”

ગોપાલ અને સલીમ પણ બધાની સાથે ચાલવા લાગ્યા. જેલની બરાબર વચ્ચે ગોળાકાર મકાન હતું. તેની પર ‘કેન્ટીન’ લખેલું હતું. એના દરવાજા સામે મેલડી માતાનું એક મંદિર પણ હતું. તે મંદિરના આગળના ભાગમાં સાવરણાનો ઠગલો પડ્યો હતો. કેદીઓ એ તરફ ગયા અને એક પછી એક સાવરણા ઉપાડવા લાગ્યા. સલીમે પણ સાવરણો ઉપાડ્યો. તેણે ગોપાલ સામે જોયું. ગોપાલ હજી એમ જ ઊભો હતો.

PART 40 : ગોપાલને સાબરમતી જેલમાં એક નવી ઓળખ મળી હતી, હવે તેને કેદી નંબર મળી ગયો

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular