પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે, કાયમી મિત્ર હોતો નથી. જરૂરિયાત પ્રમાણે મિત્રતા અને દુશ્મની થતી હોય છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે જે રીતે કોંગ્રેસ સામે રણશીંગુ ફૂંકયુ તે જોતા હાર્દિક કોંગ્રેસનો પંજો છોડી ભાજપનું કમળ પકડે તેવા આશાર મળી રહ્યા છે, પરંતુ છેલ્લાં સાત વર્ષથી ભાજપ સરકારની જાહેરમાં ટીકા કરનાર હાર્દિકને અચાનક ભાજપ પ્રેમ કેમ ઉભરાયો અને હાર્દિકનું ભાજપમાં હોવું જોઈએ તેવું માનનાર ભાજપના નેતાઓના પોતાના ગણિત છે, પણ આ બધી સ્થિતિમાં ઉપર હાથ તો ભાજપનો જ રહેવાનો છે. હાર્દિકની એન્ટ્રીને લઈ ભાજપની વ્યૂહ રચના શું છે તે બાબત ઘણી રસપ્રદ છે.
ભાજપના નેતાઓ ભાજપને આંતરિક રીતે મજબુત કરવા અને વિરોધીઓને મહાત આપવા બહુ આગોતરૂં આયોજન કરે છે, પરંતુ જ્યાં સુધી હાર્દિક પટેલનો સવાલ છે ત્યાં સુધી ખુદ હાર્દિક જાણે છે કે તેને ભાજપમાં પ્રવેશ મળે કે નહીં પણ કોંગ્રેસ છોડી દેવી તેના હિતમાં છે. પાટીદાર આંદોલન વખતે અનેક પાટીદાર નેતાઓ ઉપર કેસ થયા જેમાંથી સૌથી ગંભીર કેસ રાજદ્રોહનો કેસ છે, જેમાં હાર્દિક પટેલ ખુદ આરોપી છે. કેસના મેરીટને ધ્યાનમાં લઈ તો ગુજરાત પોલીસે કરેલી તપાસ અને તેમને હાથ લાગેલા પુરાવાઓ જોતા કેસ ચાલી જાય ત્યારે હાર્દિક પટેલને આજીવન કારાવાસ થવાની પુરી સંભાવના છે. જો હાર્દિક ભાજપમાં પ્રવેશ કરે તો આ કેસમાંથી બચી શકે છે કારણ ભાજપ સિવાય તેને કોઈ બચાવી શકે નહીં.
ખુદ હાર્દિક પણ ભવિષ્યમાં આવનારા આ તોફાનથી વાકેફ છે, હાલમાં રાજદ્રોહના કેસના કારણે હાર્દિકનું સ્ટેટસ રાજદ્રોહીનું છે આ કેસ પછી હાર્દિકે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો તેના કારણે રાજદ્રોહીની વાતને સરકારે વધારે મજબુત મહોર મારી છે, જ્યાં સુધી હાર્દિક કોંગ્રેસમાં રહેશે ત્યાં સુધી હાર્દિક ઉપર કેસ લટકતો રહેવાનો છે. હવે હાર્દિકે રાષ્ટ્ર ભકત થવુ હોય તો એક જ રસ્તો છે કે કોંગ્રેસનું દામન છોડે અને ભાજપનો સાથ મંજુર કરે, હાર્દિક ભાજપમાં આવે તેની સામે ભાજપના જ અનેક નાના મોટા નેતાઓ વિરોધ કરી રહ્યા છે, પણ આ નેતાઓ કરતા અનેક ગણુ આગળ વિચારતા ભાજપના મોવડી મંડળ પાસે હાર્દિકને ભાજપમાં એન્ટ્રી આપવાના કારણો છે.
હાર્દિક પટેલનું ગોત્ર કડવા પટેલ છે, કડવા પટેલો ભાજપ સાથે રહ્યા છે, હાલમાં ભાજપ પાસે કડવા પટેલ નેતાઓની કમી નથી, પરંતુ તેઓ જુના કડવા પટેલ નેતાઓને તેમની હેસીયતમાં રાખવા માટે એક નવા ચહેરાને મેદાનમાં ઉતારી રહ્યા છે. ઉદાહરણ રૂપે ક્ષત્રીય નેતા તરીકે પ્રદીપસિંહ જાડેજા માની રહ્યા હતા કે ભાજપ પાસે કોઈ વિકલ્પ નથી પરંતુ મોવડી મંડળે પ્રદીપસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારી બતાડ્યું કે અમારી પાસે વિકલ્પની કમી નથી. ભાજપ પાસે હાલમાં જે કડવા નેતાઓ છે તેમની ઉંમર પચાસીને પાર છે. આ નેતાઓ પોતે જ એવા ભ્રમમાં છે કે તેઓ જ પાર્ટીના તારાણહાર છે, પણ પાર્ટી હાર્દિક જેવા નવા ચહેરાને મેદાનમાં લાવી એક સંદેશ આપવા માગે છે. આમ એક કાંકરે બે પક્ષી મારવા જેવી સ્થિતિ નિર્માણ થશે.
ભાજપમાં આવવું હાર્દિકની મજબુરી છે કારણે તેના સ્વભાવ પ્રમાણે શીસ્તમાં રહેવાની તેને ટેવ નથી પણ ભાજપ પોતાની વ્યૂહ રચના પ્રમાણે હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપી તેનું કદ નાનુ કરી નાખશે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અનેક નેતાઓની સાથે ભાજપે આવું કર્યું છે. ઉદાહરણ રૂપે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ આપ્યો અને પછી અલ્પેશ ચૂંટણી હારી ગયા, ભાજપે પોતાના જ નેતાને હરાવ્યા તેવું કહી શકાય નહીં, પણ રાજકારણમાં બધુ શકય છે, ભાજપ ક્યારેય કોઈ નેતાને પાર્ટી કરતા મોટા થવા દેતું નથી માત્ર નરેન્દ્ર મોદી અપવાદ છે. હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપી ભાજપ હાર્દિકનું રાજકારણ પુરૂ કરશે, પોતાની તાકાત ઉપર ગુમાન કરનાર હાર્દિકને ભાન કરાવશે કે તેની કોઈ ક્ષમતા નથી, જ્યારે ભાજપને ભવિષ્યમાં પોતાના જ કોઈ કડવા પાટીદાર નેતાને ડામવાની જરૂરીયાત ઊભી થશે ત્યારે હાર્દિકને મેદાનમાં ઉતારશે, પણ હાર્દિકે ત્યાં સુધી રાહ જોવી પડશે જેવી રીતે નરહરિ અમીન કોંગ્રેસ છોડી આવ્યા પછી લગભગ દસ વર્ષ સારા દિવસનો ઈંતઝાર કરતા રહ્યા હતા, જેના કારણે તેઓ આજે સાંસદ પણ બન્યા, પણ હાર્દિકમાં ધીરજનો અભાવ છે.
હાર્દિક પટેલ પાસે રાજકીય સમજ છે પરિસ્થિતિનો અભ્યાસ છે પરંતુ દરેક વખતે આપણી હોશીયારી કામ આવતી નથી કારણ યુધ્ધમાં ક્યારેય રોકાઈ જવું તે પણ મહત્વનું હોય છે જેની હાર્દિકને સારી ખબર છે, હાર્દિકનો નિર્ણય તેના પોતાના લોકોને ખોટો લાગી શકે પણ કેટલી સ્થિતિ આપણા હાથ બહાર હોય ત્યારે સમાધાન સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. રાજકારણમાં જેઓ હમણાં સત્તા સ્થાને છે તેઓ હોશીયાર છે તેવું પણ નથી, જેઓ હાંસીયામાં છે તેઓ નકામા છે તે પણ સત્ય નથી, ક્યારેક સમયને પણ પોતાનું કામ કરવા દેવું પડે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











