Monday, July 6, 2026
HomeGeneralતે સાડીની દુકાનમાં નોકરી કરતો હતો, પછી એક ટીવી ચેનલમાં મજુર તરીકે...

તે સાડીની દુકાનમાં નોકરી કરતો હતો, પછી એક ટીવી ચેનલમાં મજુર તરીકે જોડાયો, તે આજે વિડીયો જર્નાલીસ્ટ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): તેનું નામ મોજુદાન તખતસિંહ ગઢવી, પણ મારા સહિત બધા જ તેને મોજુ અથવા મોજીયા કહી સંબોધે છે. પાતળો બાંધો, સતત હસતી અથવા કઈક જાણવા માગતી તેની ધારદાર આંખો, ખાસ કરી કોઈ પણ છોકરીની આકર્ષી શકે તેવી તેની આંખો હું તેને પહેલા કયારે મળ્યો તે મને યાદ નથી, પણ અમારી મિત્રતાનું કારણ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમાં અમે સાથે રનીંગ કરવા ભેગા થતા તેના કારણે મિત્રતા ગાઢ બની. ગુજરાતના નાનકડા ગામડામાં તેનો જન્મ અને ઉછેર થયો, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ચારણનિકોલ ગામનો વતની છે. દસમાં ધોરણની પરિક્ષા આપી નાપાસ થયો, હવે શુ કરવુ તેવો પ્રશ્ન હતો. મોજુના એક કાકા ગાંધીનગરનાં રહેતા તેમણે કહ્યુ ગાંધીનગરમાં આવી જા, અને મોજુએ જીંદગીની શરૂઆત એક ઓટો ગેરેજમાં હેલ્પર તરીકે શરૂ કરી. થોડા મહિના થયા હશે, મોજુનો એક પિત્રાઈ ભાઈ ગાંધીનગરની સાડીની દુકામમાં નોકરી કરતો હતો, તેણે કહ્યુ પાંચસો રૂપિયા પગાર મળશે, આ હાથ કાળા કરવા કરતા સારી નોકરી છે. ગેરેજની નોકરી છોડી મોજુ ગાંધીનગરમાં પંચદેવ મંદિર પાસે આવેલી સાડીની દુકાનીનમાં નોકરીએ લાગ્યો.




સાડીની દુકાનમાં સ્વભાવીક રીતે ગ્રાહક તો મહિલા જ આવે, પણ મોજુની ગજબનો સેલ્સમેન, મોજુના કારણે તેની દુકાનમાં ગ્રાહકોની ભીડ વધી, પણ આ કઈ મોજુનો આખરી મુકામ ન્હોતો. કોઈએ જાણકારી આપી, અમદાવાદમાં તારા નામની ગુજરાતી ચેનલ શરૂ થઈ રહી છે તેમાં મજુરની જરૂર છે, અમદાવાદ આવવાનું કારણ એક જ હતું પગાર એક હજાર રૂપિયા હતો. સાડીની દુકાન કરતા બમણો પગાર, મોજુ અમદાવાદ આવી ગયો. અમદાવાદ સાવ અજાણ્યુ શહેર કોઈ મિત્ર અને કોઈ પોતાનું કહી શકાય તેવુ નહીં. તારા ચેનલમાં તેણે મજુર તરીકે કામ શરૂ કર્યુ, પણ ત્યારે મોજુને પણ ખબર ન્હોતી કે તેની મજુરી તેને એક ઉાંચા મુકામ ઉપર લઈ જશે અને એક નવી ઓળખ આપશે. તારા ચેનલમાં કામ કરતો હતો ત્યારે એક માઠા સમાચાર આવ્યા કે ચેનલ બંધ થઈ રહી છે, હવે પાછો પ્રશ્ન આવ્યો શુ કરવુ કારણ અમદાવાદમાં તો કોઈ ઓળખતુ નથી.


- Advertisement -


પણ કામ કરવાની તૈયારી હતી, તારા ચેનલને કેમેરા અને લાઈટ-સાઉન્ડ પુરી પાડતી એજન્સીના માણસોએ મોજુને તારા ચેનલમાં કામ કરતો જોયો હતો. આ એજન્સીએ કહ્યુ અમારી કંપનીમાં તુ આવી શકે છે. મોજુનો એક નવો મુકામ મળ્યો, આ પરિચય થયો કેમેરામેન કમલેશ વ્યાસ સાથે મોજુનું કામ તો કેમેરામેન કમલેશ સાથે તેને કેમેરા અને સાધનો ઉંચકી ફરવાનું હતું, પણ ઈશ્વર પણ આપણને મદદ માણસ બનીને કરતો હોય છે. ફુરસતના સમયે કમલેશ વ્યાસે મોજુને કેમેરાની સમજ આપવાની શરૂઆત કરી જ્યારે કેમેરા સ્ટીલ હોય ત્યારે તેની ઉપર મોનીટરીંગ કેવી રીતે કરવુ તે શીખવાડવાની શરૂઆત કરી. આ એજન્સી સહારા ચેનલને પણ સાધનો અને માણસો પુરા પાડતી હતી. એક દિવસ સમાચાર આવ્યા કે અમદાવાદના મેમનગર વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે, તે સમયે ઓફિસમાં એક પણ કેમેરામેન હાજર ન્હોતો.



કોઈએ પુછયુ મોજુ તને કેમેરા આવડે છે, મોજુએ કહ્યુ આવડે તો છે પણ એકલા કામ કર્યુ નથી. સુચના મળી તાત્કાલીક સ્પોટ ઉપર પહોંચી જા. મોજુ કેમેરા લઈ મેમનગર પહોચ્યો અને ઘટનાને કંડારી લીધી આ પહેલી ઘટના હતી મોજુએ હાથમાં કેમેરા પકડયો હતો. બસ પછી તો કેમેરાને જાણે મોજુની આદત પડી ગઈ હતી. ત્યારે જ ગુજરાતી ટીવી નો પ્રારંભ થયો, મોજુએ એરજી કરી ઈન્ટરવ્યુ થયો તેણે કરેલા કામને જોવામાં આવ્યુ અને 2200ના પગારે મોજુએ જુનિયર કેમેરામેન તરીકે નોકરીની શરૂઆત કરી અક્ષરધામ હુમલો સહિત ગોધરાના તોફાનો તેમજ અનેક મોટીનો ઘટનાઓને કેમેરાની નજરે સાક્ષી રહ્યો. 2005માં અમદાવાદમા દેશની જાણિતી ટીવી ચેનલ ટાઈમ્સ નાઉને કેમેરામેનની જરૂર પડી, મોજુદાન ત્યાં પણ પહોંચી ગયા. ગોધરાના તોફાનો સહિત તેણે પોતાના જે ઘટનાઓને કેમેરામાં જીંવત રાખી હતી તે ટાઈમ્સના અધિકારીઓએ જોઈ મોજુદાન ગઢવીની નોકરી પાક્કી થઈ અને પહેલો પગાર હતો 6000 રૂપિયા. આજે દોઢ દાયકા કરતા વધુ સમય મોજુને ટાઈમ્સ નાઉ ચેનલમાં થઈ ગયો છે.



મોજુ કહો કે મોજીયો દેશની એક મોટી ચેનલનો કેમેરામેન છે માટે તે મોટો છે, તેવુ નથી. એક નાનકડા ગામમાંથી આવેલા માણસે કરેલા સંઘર્ષને કારણે આજે તે મોટો છે. શહેરમાં રહેતા યુવાનો માટે મોજુ ઉદાહરણ રૂપ છે કારણ શહેરીઓ નાની નાની સમસ્યાથી તેઓ નાસીપાસ થઈ જાય છે પણ મોજુ તે બધા કરતા જુદો છે આજે ટાઈમ્સ નાઉ ચેનલમાં પ્રિન્સીપાલ વિડીયો જર્નાલીસ્ટ તરીકે ફરજ બજાવે છે. બસ તુ જ્યા પણ રહે ત્યાં ખુશ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular