Friday, June 26, 2026
HomeGujaratઅજયભાઈ હવે તમને લોકો પાર્થિવના પપ્પા તરીકે ઓળખે છે ત્યારે કેવુ લાગે...

અજયભાઈ હવે તમને લોકો પાર્થિવના પપ્પા તરીકે ઓળખે છે ત્યારે કેવુ લાગે છે ?

- Advertisement -

હું અજયભાઈને ચોક્કસ કયારે પહેલી વખત મળ્યો તે યાદ નથી, પણ તે અરસો 1990ની આસપાસનો હતો, હુ હજી પત્રકારત્વમાં આવ્યો જ હતો. મારી મુલાકાત અમદાવાદના ખાનપુરમાં આવેલી ભાજપ ઓફિસ ઉપર થતી હતી, ભાજપ ઓફિસમાં ટોળ ટપ્પા કરી અમે ભાજપની ઓફિસની સામે આવેલી ચ્હાની કીટલી ઉપર ફરી ચ્હા પીવા રોકાતા હતા,હરીન પાઠક,ભગવતી પંચાલ, હરેન પંડયા, બીમલ શાહ, પ્રદિપસિંહ જાડેજા, અને મનોજ ભટ્ટ જેવા તેમના રાજકિય સાથીઓ હતા, 1980થી1986 સુધી અજયભાઈ કોર્પોરેટર પણ રહ્યા હતા, પણ સ્વભાવ અને વ્યવહારમાં એક એક પ્રકારની સાલસતા હતી, પોતે એક રાજકિય પક્ષને નેતા હોવા છતાં પોતે જેવા છે તેવા જ રહેવાની કળા તેમણે જાળવી રાખી હતી.આ એવો સમયગાળો હતો જયારે કોટ વિસ્તારમાં વાર તહેવારે તોફાનો શરૂ થતાં હતા, જેના કારણે મેં અનેક નેતાઓ અને કાર્યકરોને રોષ ઠાલવતા જોયા હતા, પણ અજયભાઈ આખી ઘટનાને સાક્ષી ભાવે જોઈ, લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેના પ્રયાસોમાં રહેતા હતા.



- Advertisement -

જમણા હાથે કરેલી મદદ તેમણે પોતાના ડાબા હાથને પણ થવા દિધી ન્હોતી, આર્થિક સ્થિતિ પણ સારી કહેવાય તેવી ન્હોતી, અજયભાઈના સમવસ્યક રાજકિય સાથીઓ બધી જ રીતે આગળ જઈ રહ્યા હતા, પણ અજયભાઈ કયારેય તેમની સાથે હરિફાઈ કરવાની ઈચ્છા થઈ નહીં, ઝટ મોટો માણસ થવુ છે તેવી લાલચથી પોતાને સારી બચાવી શકયા હતા, કદાચ એટલે પોતે જયાં છે ત્યાં સુખી અને મસ્ત છે તેવા ભાવને કારણે તેમને કયારે મોટા નેતાઓની દરબારમાં જવાની જરૂર પડી નહીં, અજયભાઈનો લગાવ ભાજપ તરફ હતો જો કે ત્યારે ભાજપ એક દિવસ આટલો મોટો પક્ષ થશે તેવી કોઈને કલ્પના પણ ન્હોતી, ભાજપની ટીકીટ લેવા કોઈ તૈયાર ન્હોતુ તેવા દિવસોમાં તેમણે ભાજપનો દામન પકડવાનું નક્કી કર્યુ હતુ, અમદાવાદની ધનાસુથારની પોળમાં તેમનું ઘર હતુ, એક વખત સત્તા મળે પછી માણસ પોતાની પાછલી જીંદગીની થોડી ઘણી વ્યવસ્થા તો કરે છે પણ અજયભાઈ તેમા પણ અપવાદ હતા, પાંચ વર્ષ સુધી કોર્પોરેટર રહ્યા પછી પણ કયારેય તેમને તેવો વિચાર સુધ્ધા આવ્યો નહીં.

પાર્થિવ ત્યારે નાનો હતો , એક પિતાને બાળકના ભવીષ્યની ચીંતા તો હોય જ, ઈશ્વર વ્યવસ્થા કરશે તેવા ભરોસો તેમને હતો અને ખરેખર ઈશ્વરના ભરોસાની પરિક્ષામાં તેઓ પાસ થયો, ધનાસુથારની પોળમાં રહેતો અને ઉછેરો એક છોકરો પાર્થિવ ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો બનશે તેની ખુદ અજયભાઈ અને આ અમદાવાદને પણ ખબર ન્હોતી, 2002માં પાર્થિવ ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થયો ,કોઈ પણ પિતા માટે આ ઘટના કેટલી રોમાંચકારી હોઈ શકે તેની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં, અજયભાઈનો પાર્થિવ ભારતીય ટીમનો હિસ્સો બન્યો તેનો રોમાંચ મારા જેવા અજયભાઈના અનેક મિત્રોને હતો., પાર્થિવના નામની જાહેરાંત થતાં મેં અજયભાઈને ફોન કર્યો કે મારે પાર્થિવનો ઈન્ટરવ્યુ કરવો છો, મને જવાબ મળ્યો અરે તમારે પુછવાનું હોય, હું ધનાસુથારની પોળમાં પહોંચી ગયો તેમના ઘરની બહાર ઓટલા ઉપર પાર્થિવ સાથે વાત કરી જો કે ત્યારે મારે તકેદારી રાખવાની હતી કે પાર્થિવને મારા ક્રિકેટના અજ્ઞાનની ખબર પડે નહીં, જો કે પાર્થિવને આ મુકામ સુધી પહોંચાડવામાં તેના કાકા જગતભાઈનો મોટો હિસ્સો છે.



- Advertisement -

સમય બદલાયો, પાર્થિવ ક્રિકેટની દુનિયામામ પોતાનુ્ સ્થાન મજબુત કરવા લાગ્યો, ક્રિકેટની દુનિયામાં દામ અને નામ બંન્ને મળે, પાર્થિવે ધનાસુથારની પોળ છોડી અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક સરસ બંગલો બનાવ્યો, પોળની જીવ અજયભાઈ હવે નવરંગપુરામાં રહેવા આવ્યા, પાર્થિવ સેલેબ્રીટી હોવાને કારણે હવે રોજ મોટા માણસોની ઘરે અવરજવર શરૂ થઈ, પણ અજયભાઈ તેવા જ રહ્યા તેમને પુત્ર પાર્થિવની ઝાકઝમાળવાળી જીંદગી પ્રભાવીત કરી શકી નહીં, તેવુ જ સરળ જીવન રહ્યુ જેવુ પોળની જીંદગી હતી, હવે ભવીષ્યની ચીંતા ન્હોતી છતાં તેમણે સુખના પ્રવાહમાં પોતાને જયાં ઉભા હતા તે ખડક ઉપર સાચવી રાખ્યા, અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડીયમ અમારૂ મુલાકત સ્થળ હતું,,સપ્તાહમાં એકાદી મુલાકાત પાક્કી હતી, મેં તેમને અનેક વખત પુછયુ હતું કે અજયભાઈ જે પાર્થિવ અજયનો દિકરો છે, તેવી રીતે ઓળખાતો હતો હવે તે જ પાર્થિવના પિતા તરીકે તમારી ઓળખ આપવામાં આવે ત્યારે કેવુ લાગે છે, અજયભાઈ કઈ જ બોલતા નહી પણ તેમના ચહેરા ઉપર હાસ્ય તેમનો જવાબ હતું.

છેલ્લા અઢી વર્ષથી અમે મળ્યા નહીં કારણ અજયભાઈ તેઓ બીમાર હતા અને પથારીવશ હતા, મારા અનેક મિત્ર તેમને મળવા ગયા, પણ મારી હિમંત થઈ નહીં, કારણ મારે એક અજયભાઈની પથારીવશ છબીને મારા માનસપટમાં સ્થાન આપવુ ન્હોતુ, હું અજયભાઈને હારેલા અને થાકેલા જોવા માગતો ન્હોતો, રવિવારની સવારે મને જયારે સમાચાર મળ્યા કે અજયભાઈ હવે નથી, ત્યારે હું શુન્યમસ્ક બની ગયો, વિચારશુન્ય બની ગયો, મારા એક મિત્રની વિદાય થઈ, મેં મારી જાતને કહ્યુ તારૂ આજયભાઈ સાથેનું રૂણાનુંબંધન પુરૂ થયુ, હુ અજયભાઈના ઘરે પણ ગયો નહીં કારણ મને અજયભાઈ સિવાય કોઈ ઓળખતુ નથી, હવે હું ત્યાં જઉ કે ના જાઉ અજયભાઈ અને મને કોઈ ફેર પડતો નથી, પાર્થિવ પણ મોટો માણસ છે, હું તારા પપ્પાનો મિત્ર તેવુ કહેનાર મારા જેવા અનેકો હશે એટલે પાર્થિવને મારા ત્યાં જવાથી કોઈ ફેર પડવાનો નથી પણ અજયભાઈને એટલુ જ કહેવાનું મન થાય છે દોસ્ત તમે મને ગમતા માણસ હતા.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular